(એજન્સી) ભુવનેશ્વર, તા. ૧૮
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી બીજુ જનતા દળ એનઆરસીનું સમર્થન કરતી નથી. ઉલ્લેખનીય છે કે, પાર્ટીએ સંસદમાં નાગરિકતા સુધારા બિલનું સમર્થન કર્યું હતું. પટનાયકે જણાવ્યું કે, નાગરિકતા સુધારા કાયદાને ભારતીય નાગરિકો સાથે કોઇ લેવા દેવા નથી. આ માત્ર વિદેશીઓ માટે છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં બીજુ જનતા દળના સાંસદોએ સ્પષ્ટતા કરી દીધી છે કે, એનઆરસીને અમે સમર્થન આપતા નથી. પટનાયકે દિલ્હી રવાના થતા પહેલા આ ટિપ્પણી કરી હતી. પટનાયકની ટિપ્પણીએવા સમયે આવી છે જ્યારે ભુવનેશ્વરમાં કાયદા વિરૂદ્ધ શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી અને તેમની પાસે સ્પષ્ટતા માગવામાં આવી હતી કે, નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી બંને પર રાજ્ય સરકાર વલણ સ્પષ્ટ કરે. નાગરિકતા કાયદામાં વિવાદિત સુધારો એ છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા મુસ્લિમો સિવાયના હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇઓને ભારતની નાગરિકતામાં આપવામાં આવે. આ કાયદો પસાર થયા બાદ દેશભરમાં વિદ્યાર્થીઓની આગેવાનીમાં ભારે વિરોધ થયા હતા ખાસ કરીને પૂર્વોત્તરમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા મોટાપાયે વિરોધ થઇ રહ્યો છે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ તેનો ખાસ્સો વિરોધ થઇ રહ્યો છે અને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર બર્બરતા કરવાના દૃશ્યો પણ સામે આી ચૂક્યા છે. બીજી તરફ આસામમાં કરાયેલી એનઆરસીની પ્રક્રિયામાં રાજ્યમાં રહેતા સાચા નાગરિકોને તેમના દસ્તાવેજોને આધારે ઓળખવામાં આવ્યા હતા અને બાકીના લોકોને શરણાર્થી ગણવામાં આવ્યા હતા. ૩૧મી ઓગસ્ટે જાહેર થયેલી આસામ એનઆરસીની અંતિમ યાદીમાંથી ૧૯ લાખ લોકો બહાર કરાયા હતા જે રાજ્યની કુલ ૬ ટકા વસ્તી છે.