(એજન્સી) ચંદીગઢ, તા.રર
પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ ક્રિસમસના તહેવારમાં અંધાધૂંધી ફેલાવનારા વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. તેમણે નાતાલના દિવસે વિવાદો ઊભા કરવાવાળા લોકોને ગુરૂવારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, ક્રિસમસ પર કોઈએ પણ ધમાલ કરી તો તેની આંખો કાઢી લેવામાં આવશે. અહેવાલો મુજબ ખ્રિસ્તી સમુદાયને સંબોધીને સિદ્ધુએ કહ્યું, જો તમને કોઈ નીચા જોવાપણું કરે તો અમે તેની આંખો કાઢી લઈશું. ભાજપમાંથી ગત વર્ષે કોંગ્રેસમાં જોડાયેલા સિદ્ધુએ કહ્યું પંજાબમાં કોઈને પણ કોઈપણ તહેવારમાં ખલેલ પાડવાની પરવાનગી આપવામાં આવશે નહીં સિદ્ધુએ જણાવ્યું કે, જલંધરના કેથોલિક ચર્ચના નેતૃત્વ કરનાર બિશપ ફ્રાન્કોએ દેશના કેટલાક ભાગોમાં ખ્રિસ્તીઓને ક્રિસમસ ઉજવવા પરવાની આપી નથી જે મૂળભૂત માનવાધિકારોનું ઉલ્લંઘન છે. દરેક વ્યક્તિને પોતાનો તહેવાર ઉજવવાની પરવાનગી મળવી જોઈએ. એ જાણીને આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકો ક્રિસમસને મુદ્દો બનાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પંજાબમાં ખ્રિસ્તીઓને ક્રિસમસ પર્વ ઉજવવાની પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં આ પ્રકારની કોઈ સમસ્યા નથી. સિદ્ધુએ લોકોને સંબોધતા કહ્યું કે પંજાબમાં બધા સમુદાયના લોકો શાંતિથી રહે છે અને દરેક વ્યક્તિને કોઈપણ ધર્મનો પ્રચાર કરવાનો અને એને માનવાનો પૂરેપૂરો હક છે. બંધારણમાં દરેક માટે સમાન અવસરની બાંહેધરી આપે છે.