નવી દિલ્હી, તા.૨૦
કોંગ્રેસના નેતા નવજોત સિંઘ સિઘૂએ શનિવારે વડાપ્રધાન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓની તરફેણ કરીને સરકારી કંપનીઓને પાયમાલ કરી નાખી છે. આ ઉપરાંત સિઘૂએ મોદીને દેશદ્રોહી અને દેશનું હિત વેચનારા પણ કહ્યા હતા. સિઘૂએ વડાપ્રધાન મોદીને ‘નકામા’ કહ્યા અને જણાવ્યું કે તેમણે રાષ્ટ્રવાદના નામે મત મેળવવા પ્રચાર કરવો જોઈએ નહીં અને દેશહિતની વાતો પણ કરવી જોઇએ નહીં. પંજાબના મંત્રી સિઘૂએ અહીં એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન મોદી અત્યારે અંબાણી અને અદાણીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છે, તેમણે જાહેર સાહસોના ભોગે આ લોકોને મદદ કરી છે. જ્યારે એસબીઆઈ અને એમટીએનએલ ખોટ કરી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન ખાનગી સંચાલકો પેટીએમ અને રિલાયન્સ જિઓનો પ્રચાર કરી રહ્યા હતા. સિઘૂએ આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે ‘અદાણી અને અંબાણી વડાપ્રધાનની સાથે વિદેશ પ્રવાસમાં જોડાયા હતા અને સરકારી કંપનીઓને આપવાના ૧૮ મોટા પ્રોજેક્ટ આ લોકોને ફાળવવામાં આવ્યા હતા. શું સરકારી કંપનીઓના અધિકારીઓને વિદેશ પ્રવાસે ના લઈ જઈ શકાય?