(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
સુપ્રીમકોર્ટે પંજાબના કેબિનેટ પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુને મંગળવારે સદોષ માનવવધમાં નિર્દોષ જાહેર કર્યા છે અને ૧૯૮૮ના રોડરેજ કેસમાં હાનિ પહોંચાડવા બદલ દોષિત ઠરાવ્યા છે. રોડરેજ કેસમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. સિદ્ધુને દોષિત ઠરાવવામાં આવ્યા હોવા છતાં તેઓ કેબિનેટ પ્રધાન તરીકે યથાવત્‌ રહેશે. લોકપ્રતિનિધિત્વ કાયદા મુજબ કોઇ ગુના બદલ જો કોઇ વ્યક્તિ દોષિત ઠરે અથવા એ વ્યક્તિને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય તો એ વ્યક્તિ તાકીદે ધારાસભ્ય કે સાંસદ તરીકે ગેરલાયક થઇ જાય છે. સુપ્રીમકોર્ટે આ કેસમાં સિદ્ધુને કારાવાસની સજા નહીં આપી અને એક હજાર રૂપિયાનો દંડ કરીને ભારે રાહત આપી છે. દંડની રકમ ભર્યા બાદ સિદ્ધુને જેલમાં જવું પડશે નહીં. કોંગ્રેસના રાજકારણીને ભારતીય ફોજદારી કાયદાની કલમ ૩૨૩ (હાનિ પહોંચાડવા) હેઠળ દોષિત ઠરાવવામાં આવ્યા છે.
સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા બાદ સિદ્ધુએ પંજાબના લોકોનો આભાર માન્યો છે. હું પંજાબના લોકોનો આભાર માનવા માગું છું. તેમની પ્રાર્થનાઓને કારણે હું ૧૦ ફૂટ લાંબો થઇ ગયો છું. નવજોતસિંહ સિદ્ધુને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે મેં રાહુલ ગાંધીજી અને પ્રિયંકા ગાંધીજીને એક સંદેશો મોકલ્યો છે કે મારૂં જીવન તમારૂં છે. ડિસેમ્બર ૧૯૮૮માં કાર પાર્કિંગ અંગે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન અમરિન્દરસિંહ સરકારમાં ટુરિઝ્‌મ પ્રધાન સિદ્ધુએ ૬૫ વર્ષીય ગુરનામસિંહને માથામાં માર્યો હતો અને ત્યાર પછી હોસ્પિટલમાં ગુરનામસિંહનું મૃત્યુ નિપજ્યું હતું. સિદ્ધુએ જણાવ્યું કે ગુરનામસિંહનું માથામાં મારવાને કારણે નહીં પરંતુ હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. આ કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સિદ્ધુને ત્રણ વર્ષના કારાવાસની સજા ફટકારી હતી. હાઇકોર્ટ દ્વારા સજાની જાહેરાત કરાયા બાદ સિદ્ધુએ હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.