(એજન્સી) ચંડીગઢ, તા.૨૮
પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આગમનથી કોંગ્રેસમાં જબરદસ્ત જોશ છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી મળીને ૧ અને ૧૧ થઈ ગયા છે અને ભાજપ હવે ‘નૌ દો ગ્યારહ’ થઈ જશે. કોંગ્રેસના નેતાએ સંપૂર્ણ આશા અને આત્મવિશ્વાસ સાથે કહ્યું કે વર્ષ ૨૦૧૯ રાહુલ ગાંધીનું હશે અને ૫૬ ઇંચની છાતી ૨૬ની થઇ જશે. કરતારપુર સાહેબ અંગે મુદ્દો ઉઠાવતા સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાનના સૈનિકો પણ મૃત્યુ પામી રહ્યા છે અને આપણા પણ તેથી આવી ડિપ્લોમેસી બંધ કરી દેવી જોઇએ. તેમણે બંને દેશો વચ્ચે શાંતિની વકાલત કરી અને કહ્યું કે અમનથી જ મામલો ઉકેલાશે. ત્યારબાદ સિદ્ધુએ પૂછ્યું કે વડાપ્રધાન આખરે પાકિસ્તાન કેમ ગયા હતા. ભાજપ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે જે પાર્ટી કહેતી હતી કે તેઓ ૨૦૦ બેઠકો પર જીત હાંસિલ કરશે, તેઓ આઈસીયુમાં પડેલી મળશે. પોતાના અધ્યક્ષની પ્રશંસામાં સિદ્ધુએ કહ્યું કે રાહુલ ગાંધી લીડર છે.બિહારના મંત્રી અને અન્ય ભાજપના નેતાઓએ પ્રિયંકા ગાંધીને લઇને આપેલા આપત્તિજનક નિવેદન પર નવોજત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેમના માટે આ જ કહેવામાં માંગુ છું કે જો ચંદ્ર પર થુકશો તો થુક પાછી તમારી ઉપર જ પડશે, અને આ વાતોથી પ્રિયંકા ગાંધી અથવા કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો.