(એજન્સી) નવી દિલ્હી,તા.૪
પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલ હવાઈ હુમલામાં કેટલા ત્રાસાદીઓ મૃત્યુ પામ્યા એ વિશે રાજકારણ ગરમાયું છે. વિભિન્ન મીડિયા જુદા-જુદા આંકાડાઓ દર્શાવી રહ્યા છે. એ પછી અમિતા શાહે કહ્યું એરસ્ટ્રાઈકમાં રપ૦થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. અમિત શાહના આ નિવેદન બદલ વિપક્ષે પ્રશ્નો કર્યા છે. એમણે કહ્યું કે જ્યારે વાયુસેનાના અધિકારીઓ કોઈપણ આંકડાઓ નથી બતાવી રહ્યા તો પછી અમિત શાહ આ નિવેદન કયા આધારે આપી રહ્યા છે. શું એ હવાઈ હુમલાને રાજકારણ સાથે જોડવા માંગે છે ? સિદ્ધુએ સોમવારે ટિ્‌વટ કરી લખ્યું ૩૦૦ ત્રાસવાદીઓ માર્યા ગયા છે, હા કે નહીં ? પછી શું ઉદ્દેશ્ય હતું ? તમે ત્રાસવાદીઓને મારી રહ્યા હતા કે ઝાડ ઉખાડી રહ્યા હતા ? શું એ ચૂંટણીનો કિમીયો હતો ? વિદેશી દુશ્મન સાથે લડવાના ઓઠે છેતરપિંડી આપણી જમીન પર થઈ રહી હતી. સેનાનું રાજકરણ બંધ કરો. આ દેશની જેમ પવિત્ર છે. ચિદમ્બરમે ટિ્‌વટ કરી લખ્યું, ભારતીય વાયુસેનાના વાઈસ એર માર્શલે મૃતકો ઉપર ટિપ્પણી કરવા ઈન્કાર્યું. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડી કહ્યું, કોઈ નાગરિક અથવા સૈનિકનું મૃત્યુ નથી થયું. તો પછી મૃતકોનો આંકડો ૩૦૦-૩પ૦ ક્યાંથી આવ્યો. વાયુસેના પ્રમુખ ધનોયાએ સોમવારે કહ્યું કે, અમોએ બાલાકોટમાં પોતાના ટાર્ગેટ ઉપર હુમલો કર્યો. મૃતકો બાબત અમારી પાસે કોઈ માહિતી નથી, કેટલાક લોકો માર્યા ગયા એ ગણવાનું કામ અમારૂ નથી, એ સરકારનું કામ છે. કેન્દ્રીય મંત્રી અહલૂવાલિયાએ કહ્યું પાકિસ્તાનમાં આતંકી કેમ્પ ઉપર હુમલાનો ઉદ્દેશ્ય માનવીય હત્યાઓનો ન હતો પણ એક સંદેશ આપવાનો હતો કે, ભારતીય સેના સીમા પાર કરી હુમલો કરી શકે છે.