(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
કોંગ્રેસી નેતા અને પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ સોમવારે તેમની રાજકીય કારકિર્દી મુદ્દે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુ પોતાની રાજકીય કારકિર્દીના ૧પ વર્ષ બાદ રાજકારણ છોડવા તૈયાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે, જો લોકસભાની ચૂંટણીઓમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી હારી જશે તો તેઓ રાજકારણ છોડી દેશે.
તેમણે ઉમેર્યું કે, લોકોએ યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી રાષ્ટ્રવાદ શીખવો જોઈએ કે જેઓ રાયબરેલીના સાંસદ છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધુએ ર૦૦૪માં ભાજપામાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે સમયે તેઓ અમૃતસરથી રાષ્ટ્રીય ચૂંટણી લડ્યા હતા. જો કે, ર૦૧૭માં સિદ્ધુ પાટલી બદલીને કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ તેઓ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ અમૃતસરમાંથી ચૂંટાઈ આવ્યા હતા.
નોંધનીય છે કે, વર્ષ ર૦૧૪માં પણ કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધીએ ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને અમેઠી બેઠક પરથી હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેઠીમાં આગામી ૬ મેના રોજ ચૂંટણી યોજાનાર છે. જ્યારે મતગણતરી ર૩ મેના રોજ હાથ ધરાશે.