(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કરૂણા અભિયાન હેઠળ ઉત્તરાયણ પર્વે દોરીથી ઈજાગ્રસ્ત બનેલા ૪૪પ પક્ષીઓની કાળજીભરી સારવાર કરીને એમની જીવન રક્ષા કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, ૧૦ જાન્યુઆરીથી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વન વિભાગને પશુપાલન ખાતા ઉપરાંત સંખ્યાબંધ જીવદયા સંસ્થાઓ અને સેવાભાવી સ્વયંસેવકોનો સહયોગ અને જિલ્લા પ્રશાસન, વડોદરા મહાનગરપાલિકાનું પીઠબળ મળ્યું છે. જેના પરિણામે ઉત્તરાયણના દિવસે સવાર અને સાંજના સમયે હવાની ગતિ ઓછી રહેતા પતંગો ઊડાડવાની કામગીરી ધીમી પડી, જેને લીધે કુદરતી સુરક્ષા થઈ છે, તો લોકોએ પણ કરૂણા અભિયાનની અપીલને માન આપીને શક્ય હોય, ત્યાં સુધી આ સમયે પતંગબાજી ટાળી છે. કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં કબૂતરો મોટા પ્રમાણમાં રહે છે એટલે ઘાયલ પક્ષીઓમાં કબૂતરોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત પીળી ચાંચ ઢોંક, બગલા, બતક અને પોપટ જેવા પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે. સામાન્ય ઈજા પામેલા પક્ષીઓને જરૂરી સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર ઈજા પામેલા અને લાંબી સારવારની જરૂરવાળા પક્ષીઓને સયાજીબાગમાં આવેલા રેસ્ક્યુ સેન્ટર ખાતે ઈન્ડોર પેશન્ટની જેમ રાખવામાં આવ્યા છે. જેમને સાજા કરીને છોડવામાં આવશે.