સાવરકુંડલા,તા.ર
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થતા નાવલી નદીમાં પૂર આવ્યું છે. બપોરે ચાર વાગે સાવરકુંડલામાં વીજળીના કડાકા સાથે અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતો અને મુસ્લિમ રોજદારોમાં હરખની હેલી છવાઈ ગઈ હતી.
આજે નાવલી નદીમાં શનિવારી બજાર ભરાયું હતું. શનિવારી બજાર ગરીબો માટે મોલ સમાન હોય છે. જેમાં અચાનક વરસાદ પડતા નાવલી નદીમાં પૂર આવ્યું હતું. જેથી ગામ અને બહારગામથી વેચવા આવેલા વેપારીનો માલ પૂરમાં તણાઈ ગયો હતો. સાથે મારૂતી રીક્ષાઓ જેવા નાના વાહનો પણ પાણીમાં તણાયા હતા અને વરસાદ ચાર વાગ્યે પડતા જ આખા ગામમાં લાઈટ ડુલ થતા અંધાર પટ છવાયો હતો. શાક માર્કેટમાં પણ શાકભાજીના પાલા અને કેબીનો પૂરમાં તણાયા હતા. અચાનક વરસાદ પડતા લોકોમાં આનંદ છવાયો હતો. આ ઉનાળામાં અતી ગરમી પડતા અને રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી વરસાદ પડતા રોજદારોમાં આનંદ છવાયો હતો. પહેલાં વરસાદે જ નાવલી નદીમાં પૂર આવતા લોકોના ટોળે ટોળા પૂરને નિહાળવા દોડી આવ્યા હતા.