અમદાવાદ,તા.૩૦
નવરાત્રીના વેકેશનની જાહેરાતમાં ભાંગરો વટાયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કેમ કે રાજય કક્ષાના શિક્ષણમંત્રીએ શાળા-કોલેજોમાં નવરાત્રી દરમ્યાન તા.૧પ ઓકટોબરથી તા.ર૧ ઓકટોબર સુધી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તા.૧૯થી ૩૦ ઓકટોબર સુધી ધો.૯થી ૧રના તમામ પ્રવાહની પ્રથમ કસોટીની પરીક્ષા જાહેર થઈ ચૂકી છે. ત્યારે પરીક્ષા ટાણે જ નવરાત્રી વેકેશનની જાહેરાતથી હવે પરીક્ષા આપવી કે કેમ ? તે મામલે વિદ્યાર્થીઓ મૂંઝવાયા છે. ત્યારે આ સમગ્ર મામલે સરકાર કે શિક્ષણમંત્રી દ્વારા કોઈ જ સ્પષ્ટતા કરાઈ નથી.
મુખ્યમંત્રીની જાણ બહાર રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ શાળા-કોલેજોમાં નવરાત્રિ દરમિયાન ૧૫ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આ જાહેરાત ઉતાવળે અને કોઈપણ પ્રકારના સંકલન વિના કરી હોવાનું બહાર આવી રહ્યું છે, જેનો શાળા સંચાલકો અને વાલીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી દીધી પરંતુ ૧૯ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધી ધોરણ ૯થી ૧૨ના તમામ પ્રવાહની પ્રથમ કસૌટી જાહેર થઈ ચૂકી છે. તે જોતા શિક્ષણમંત્રીએ ભાંગરો વાટ્યો હોવાનું વાલી, વિદ્યાર્થી અને શાળા સંચાલકો માની રહ્યા છે. આમ પરીક્ષા સમયે જ નવરાત્રિ વેકેશન હોવાથી વિદ્યાર્થી પણ મૂંઝાયા છે.
શનિવારે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ એકાએક ભાવનગરથી રાજ્યભરની શાળા કોલેજોમાં નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી દીધી હતી. જે અંગે મુખ્યમંત્રી રૂપાણીએ પોતે પણ અજાણ હોવાનો સ્વીકાર કર્યો હતો. રાજ્ય સરકારે વિભાવરીબેનના નિવેદન બાદ નવરાત્રિ વેકેશનની રજાઓ જાહેર કરી હતી. તેમાં પણ ભાંગરો વાટ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે, નવરાત્રિની શરૂઆત ૧૦ ઓક્ટોબરથી થઈ રહી છે, જ્યારે સરકારે ૧૫ ઓક્ટોબરથી નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સંશોધન વિભાગ દ્વારા તૈયાર કરેલું અને બોર્ડની શૈક્ષણિક સમિતિએ મંજુર કરેલું ૨૦૧૮-૧૯નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પણ નવરાત્રિ વેકેશનની કોઈ જાહેરાત ધ્યાનમાં લેવામાં આવી નથી. માત્ર એટલું જ નહીં, આ કેલેન્ડરમાં તારીખ ૧૯ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધી ધોરણ ૯થી ૧૨ની પ્રથમ કસૌટી જાહેર કરવામાં આવી છે. પરંતુ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિ દરમિયાન ૧૫ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી દીધી છે.
આમ વિદ્યાર્થીઓ નવરાત્રિ વેકેશનમાં કેવી રીતે પરીક્ષા આપશે તેને લઈને મુંઝવણમાં મુકાયા છે. આ વિરોધાભાસને વિદ્યાર્થીઓએ વેકેશન ગણવું કે પરીક્ષા તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.