(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
૧પમી ઓગષ્ટના રોજ સાંજે ચાર વાગ્યે ફુવારાથી લઇને ટાવર રોડ, જૂનાથાણા, એસ.ટી.ડેપો થઇ નગરપાલિકા સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન નવસારી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારીમાં શહેરમાં આમ તો ૧પમી ઓગષ્ટના રોજ ઘણી ત્રિરંગા યાત્રા થઇ પરંતુ મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલ આ યાત્રામાં શહેરભરના હજારો મુસ્લિમો ઉમટી પડ્યા હતા. ફુવારાથી લઇને છેક સેન્ટ્રલ બેંક સુધી લાંબી રેલી ખૂબ જ શીસ્તબધ્ધ અને દેશ ભક્તિના વાતાવરણમાં આગેકૂચ કરી હતી. શહેરના તમામ મુસ્લિમો દેશભક્તિની ભાવના સમજી સ્વયંભુ રીતે રેલીમાં સામેલ થયા હતા. પોતાની પાસે જે કોઇ વાહન હોય પછી તે બાઇક, રિક્ષા, કાર સાઈકલ જે હોય તે વાહન લઇને શહેરના મુસ્લિમો એક સાથે ત્રિરંગા રેલીમાં જોડાયા હતા. શહેરના રાજમાર્ગ પરથી પસાર થતી રેલીને નવસારીના અન્ય કોમના નાગરિકોનો અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો હતો. દુકાનદારો દ્વારા રેલીમાં જોડાયેલા લોકોને પિવાના પાણીની સગવડ પણ મફત આપવામાં આવી હતી. છેલ્લે ત્રિરંગા રેલીનું સ્વાગત નવસારી નગર પાલિકાના પટાંગણમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇ તથા નવસારીના પ્રથમ નાગરિક અલકાબેન દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીના સમાપન પ્રસંગે મુસ્લિમ સમાજના મુફતી સલમાન સાહેબે જણાવ્યું કે, ભારતના તમામ મુસ્લિમો એકતા અને ભાઇચારામાં માનનારા છે તથા ભારત દેશ માટે અગર પોતાના ખુનનો એક એક બુંદની જરુર પડશે તો તે પણ મુસ્લિમો આપવા તૈયાર છે. સાચી હજયાત્રામાં પણ ભારતના મુસ્લિમો ભારત જેવા મહાનદેશનું પ્રતિનિધિત્વ કરે છે તો ભારતના મુસલમાનો માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે નવસીરના ધારાસભ્ય પિયુષ દેસાઇએ જણાવ્યું હતું કે નવસારીના ઇતિહાસમાં આજની આરેલી સુવર્ણ અક્ષરે લખાશે, આજની રેલી પ્રથમવાર તેમણે જોઇ છે. અને એક લોકપ્રતિનિધિ તરીકે તેઓ ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે કે, મારા મત વિસ્તારમાં આવી એકતાના પ્રતિક સમાન રેલી યોજાઇ. તેમણે રેલીનું આયોજન કરનાર આયોજકોને અભિનંદન આપ્યા હતા. આ ત્રિરંગાય્તારને સફળ બનાવવા માટે રફીક ઇંટવાલા, આસીફ બરોડાવાલા, ફિરોઝ કપતાન, ઇરફાન મેમણ, મોબીન મલેક, રોઝભાઇ બંગાલી, નિશાર મેમન, મુશર્રફ પઠાણ વગેરેઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
નવસારીમાં મુસ્લિમ સમાજ દ્વારા નીકળેલી વિશાળ ત્રિરંગાયાત્રા : રેલીને અભૂતપૂર્વ આવકાર

Recent Comments