(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૩૦
ભાદરવા પૂનમભરી નસવાડી નજીક આવેલ ચીમરવાડા સાસરીમાંથી પત્નીને લઇને પરત વડોદરા આવી રહેલા વડોદરા કિશનવાડી સુભાષ ચોકમાં રહેતા નવયુગલ તડવી દંપતિને દેવલીયા ચોકડી પાસે ડમ્પરનો ગમખ્વાર અકસ્માત નડતા પતિ-પત્ની બંનેના મોત નિપજ્યા હતા. આ નવદંપતિને લગ્ન થયે એક મહિનો પણ પુરો થયો ન હતો. મહિનો પુરો થવામાં એક દિવસ બાકી હતો. તે પહેલા આ તડવી દંપતિ કાળનો કોળીયો બની ગયા હતા.
કરૂણ અકસ્માત ઘટનાની પ્રાપ્ત વિગતોનુસાર વડોદરા કિશનવાડી સુભાષચોકમાં રહેતા અને ચાઇનીઝ લારી પર નોકરી કરતાં કિશન નરવતસિંહ તડવી (ઉ.વ.૨૨)નાં લગ્ન એક માસ અગાઉજ નસવાડી તાલુકાના ચીમરવાડા ગામે રહેતી કૌશલ્યાબેન (ઉ.વ.૨૦) સાથે થયા હતા. લગ્ન બાદ નવવધુ પત્ની પિયર નસવાડી ચીમરવાડા પિતાના ઘરે રહેવા માટે આવી હતી.
ગઇકાલે મંગળવારનાં રોજ પુનમ હોય પતિ કિશન તડવી બાઇક લઇને ભાદરવા પુનમ ભરવા માટે ગયો હતો. તે પૂનમ ભરીને પરત આવતો હતો તે વખતે પિયર ગયેલી પત્ની કૌશલ્યાને લેવા માટે સાસરીમાં ગયો હતો. ત્યાંથી આજે પત્ની કૌશલ્યાને લઇને બાઇક પર તડવી દંપતિ વડોદરા તરફ આવી રહ્યું હતું. દરમ્યાન દેવલીયા ચોકડી પાસે માંતેલા સાંઢની જેમ દોડતા આવતા ડમ્પર ચાલકે નવ દંપતિની બાઇક અડફેટે લીધી હતી. જેમાં ડમ્પરના પાછલા વ્હીલમાં આવી જતાં તડવી દંપતિને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં પત્ની કૌશલ્યાને માથાના ભાગે ઇજાઓ થતા તેણીનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ કિશન તડવીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પતિનું પણ મોત થતા તડવી નવદંપતિ લગ્નનાં એકજ માસમાં કાળનો કોળીયો બની ગયો હતો.અકસ્માતનાં બનાવને પગલે કિશનવાડી સુભાષ ચોકમાં સ્થાનિક રહીશો તથા સગા-સબંધીઓ દોડી આવ્યા હતા. અકસ્માત મોતનાં બનાવની જાણ તિલકવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી.