(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કુમારસ્વામી સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસે જણાવ્યું હતું કે, આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પણ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન રહેશે. બંને પક્ષો વચ્ચે ગેરસમજ મુદ્દે જનતા દળ એસના કુમારસ્વામી દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા. બંને પક્ષોના જોડાણ બાદ કોંગ્રેસ પોતાના બે નાયબ મુખ્યમંત્રી બનાવવા માગતી હતી જ્યારે કુમારસ્વામી એક નાયબ મુખ્યમંત્રીની તરફેણમાં હતા તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. બુધવારે યોજાનારા શપથગ્રહણ સમારોહમાં વિપક્ષની એકતા પણ જોવા મળશે જેમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા મોટા નેતાઓ હાજર રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. નક્કી કરાયેલા બેઠકના ચાર કલાક બાદ દિલ્હી પહોંચેલા કુમારસ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે, હું સમગ્ર મંત્રીમંડળસાથે અથવા એકલો શપથગ્રહણ કર્યા બાદ આગળની રણનીતિ નક્કી કરીશ મારી કોંગ્રેસ નેતાગીરી સાથે વાત થઇ છે. બુધવારે શપથગ્રહણ થયા બાદ ૨૪ કલાકમાં વિશ્વાસમતની પ્રક્રીયા થઇ જશે.
૨. આ બેઠક દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસે થઇ હતી જ્યાં સોનિયા ગાંધી પણ આવ્યા હતા. કુમારસ્વામી પોતાના સાથી પક્ષના સુપ્રીમો માયાવતીને પણ મળ્યા હતા.
૩. કોંગ્રેસ એક દલિત અને એક લિંગાયત જાતિમાંથી એમ બે નાયબ મુખ્યમંત્રી બનાવવા માગે છે. જોકે, જેડીએસના સૂત્રો કહે છે કે આ વાત સ્વીકાર્ય નથી.બીજા પદે ડીકે શિવકુમાર અને એમબી પાટિલ સૌથી આગળ રેસમાં છે.
૪. ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે, યેદીયુરપ્પાના વિશ્વાસ મત પહેલા કોંગ્રેસના નેતાઓને નાણા તથા મંત્રીપદની લાલચ આપવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેઓ અપહ્યત બે ધારાસભ્યોને પરત લાવવામાં સફળ થયા હતા.
૫. કોંગ્રેસે ૭૮ જ્યારે જેડીએસે ૩૮ બેઠકો જીતી હોવાથી કોંગ્રેસના વધુ મંત્રીઓ હોઇ શકે છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ કુલ ૩૩માંથી ૨૨ મંત્રીઓ મેળવી શકે છે.
૬. કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ કહ્યું કે, અણે આપો અને લઇ જાવ પદ્ધતિ અપનાવી છે જો તમે ભાજપને સત્તામાંથી દૂર રાખવા માગતા હોવ તો તેમ કરવું પડશે. અમે બધાને સંતુષ્ટ કરી શકીએ છીએ. કેટલાક લોકોએ બલિદાન આપવું જ પડશે.
૭. વિશ્વાસમત સુધીકોંગ્રેસના ધારાસભ્યોને હોટેલમાં જ રોકવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારના નેતૃત્વમાં બેંગ્લુરુની હિલ્ટન એન્ડ એમ્બેસી ગોલ્ફ લિંક્સમાં રોકાશે. જેડીએસના ધારાસભ્યો દેવાનહલ્લીના પ્રેસ્ટીજ રિસોર્ટમાં રોકાયા છે.
૮. ભાજપ દ્વારા ધારાસભ્યોને ખરીદવાના ભયે બંને પક્ષોએ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે હોટેલોમાં રોકાણ કરાવ્યું છે.
૯. કોંગ્રેસે જ્યારે રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો ત્યારબાદ વિશ્વનાસમત થયો નહોતો. કોંગ્રેસ અને જેડીએસના અપહરણ અને લાંચના આરોપો બાદ અંતિમ ઘડીએ યેદિયુરપ્પાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું.
૧૦. કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ રહેશે જેમાં આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ, તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ, પશ્ચિમ બંગાળના મમતા બેનરજી અને દિલ્હીના અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. આ તમામ વિપક્ષ આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીઓ માટે પોતાની એકતા દેખાડવાનો નિર્ણય કર્યો હોવાનું દેખાય છે.