પાટણ,તા.ર૮
પાટણ ખાતે આજે આઈકોનિક બસપોર્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાટીદાર યુવાનો અને મહિલાઓએ જય સરદારના સૂત્રોચ્ચાર તેમજ થાળી-વેલણ વગાડી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો વિરોધ કરતા પોલીસે બળપ્રયોગ કરી પ્રદર્શનકારો ઉપર લાઠીઓ વરસાવતા ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. મોટી સંખ્યામાં પ્રદર્શનકારો સભામંડપ અને એસ.ટી. બસ સ્ટેન્ડમાં પોલીસની જડબેસલાક કિલ્લેબંધી તોડી ઘૂસી ગયા હતા અને નીતિન પટેલના પ્રવચન સમયે જ જય સરદારના નારા લગાવી અનામતની માગણી બુલંદ કરતા પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે સંતાકુકડીની રમત રમાઈ હતી અને જે હાથમાં આવ્યા તેમને લાઠીઓ વિંઝી ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસના આ અત્યાચારને લઈ બસ સ્ટેન્ડમાં ઉમેલા મુસાફરો પણ સ્તબ્ધ બની ગયા હતા અને ચારે બાજુ ભાગદોડ સાથે અરાજકતાભર્યા દૃશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા મહિલાઓ અને યુવાનો મળી કુલ ૧૭ની અટકાયત કરવામાં આવી હતી.
પાટણના પ્રગતિ મેદાનમાં શનિવારે રાત્રે પાટીદાર એકતા સમિતિ દ્વારા અનામત આંદોલનમાં શહિદ થયેલા યુવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા એક શામ પાટીદાર શહિદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસ.પી.જી.ના લાલજી પટેલ અને પાસના હાર્દિક પટેલે હાથ મેળવી પાટીદારોને હુંકાર કરી જણાવ્યું હતું કે પાટણમાં નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવવાના છે. ત્યારે જૂના હથિયારો સજજ કરી તેમનો વિરોધ કરશો તે ગર્ભિત ઈશાચના પ્રત્યાઘાત આજે આઈકોનિક બસપોર્ટ, પાટણના ખાતમુહૂર્ત સમયે પડયા હતા. પોલીસ દ્વારા પાટીદારોના વિરોધ પ્રદર્શનની શકયતાને લઈ સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યું હતું અને બસ સ્ટેન્ડના ત્રણ પૈકી બે ગેટ બંધ કરી દીધા હતા અને એક ગેટ જ ચાલુ રાખ્યો હતો. આવતા જતા દરેક ઉપર ચાંપતી નજર રાખી સભામંડપમાં માત્ર ગળ્યા, ગાંઠયા લોકો અને કાર્યકરોને જ જવા દેવામાં આવ્યા હતા.દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિરોધ કરવા કાર્યક્રમ અગાઉ જ પાટીદાર મહિલાઓના ટોળા બસ સ્ટેન્ડની આજુબાજુ ફરતા જોવા મળતા પોલીસ એકશનમાં આવી હતી અને ટોળા વિખેરી નાખ્યા હતા. તેમ છતાં વિરોધ પ્રદર્શન કરવા મકકમ મહિલાઓ પોલીસની ઘેરાબંધી તોડી બસ સ્ટેન્ડમાં ધસી આવી થાળી-વેલણનો ટકરાવ કર્યો હતો. પોલીસે આ મહિલાઓને પકડવા દોડા-દોડી કરતા અને આઠથી દસ મહિલાઓને ઘસેડી પોલીસવાનમાં બેસાડતા ભારે અફરા-તફરી સાથે તનાવભર્યા દૃશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ સભામંડપમાં બેઠેલા કેટલાક પાટીદાર યુવાનોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રવચન આપી રહ્યા હતા. તે સમયે જ જય સરદારના નારા લગાવી અનામત આંદોલનના મુદ્દે સૂત્રોચ્ચાર કરતા ચાર જેટલા યુવાનોને દબોચી લઈ પોલીસે બેરહેમીપૂર્વક ઘસેડી તેઓના ઉપર અમાનુષી લાઠીચાર્જ કર્યો હતો.આ સમયે મુસાફરોથી ખીચોખીચ ભરેલા બસ સ્ટેન્ડમાં ભારે ભાગદોડ મચી હતી અને પોલીસે દશથી બાર અન્ય યુવાનોને ઝડપી લઈ મુસાફરોની સામે જ અમાનુષી અત્યાચાર ગુજારી લાઠીઓ વિંઝતા તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસના લાઠીર્ચાજમાં સુજલ રમેશભાઈ પટેલ, કિરણ પટેલ અને હિરેન પટેલ નામના યુવાનોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે નજતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ૧૭ જેટલા પાટીદાર પ્રદર્શનકારોની અટકાયત કરી હતી. જેઓને તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ, મહેસાણા બાદ આજે પાટણમાં પોલીસે પાટીદારો સામે દમનકારી પગલાં ભરી બળપ્રયોગનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.
પોલીસે ચાલુ વાનમાં લાઠીઓ ફટકારી
પોલીસ અત્યાચારનો ભોગ બનેલા હિરેન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે અમારી અટકાયત કરી પોલીસ વાનમાં તાલુકા પોલીસ સ્ટેશને લઈ જતી વખતે અપશબ્દો બોલી ચાલુ વાનમાં લાઠીઓથી માર માર્યો હતો. આ સમયે સુજલ પટેલના માથામાં લાકડીઓના પ્રહાર કરતા તે બેભાન બન્યો હતો. જેને સારવાર માટે લઈ જવા વિનવણી કરી હતી. પરંતુ કોઈ જ ધ્યાન નહીં આપતા સમાજના માણસોને બોલાવી અહીંયા લાવ્યા છીએ.
હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ છે : નીતિન પટેલ
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે યોજાયેલ નમો ઈ-ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ છે. અનામતના નામે પાટીદાર સમાજને ગુમરાહ કરી રહ્યો છે. તેની સાચી ઓળખ છતી થઈ છે. તેણે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પ્રચાર-પ્રસાર કરવો જોઈએ અને પાટીદાર અનામત આંદોલનના નામે પાટીદાર સમાજને છેતરવાનું બંધ કરવું જોઈએ.