(એજન્સી) તા.૨૬
૨૫ જૂન ૧૯૭૫ના રોજ ઈન્દિરા ગાંધીએ ભારતમાં કટોકટી જાહેર કરી હતી જે ૨૧ મહિના સુધી અમલમાં રહી હતી. અત્રે ૪૩ વર્ષ બાદ કટોકટી અંગે પત્રકાર અજોય બોઝે નયનતારા સહગલની મુલાકાત લીધી છે જેમાં કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીની નીતિઓ અંગે કેટલીક વાત કરવામાં આવી છે. અત્રે નયનતારા સહગલની મુલાકાતના મહત્વના અંશો પ્રસ્તુત છે. કટોકટી બાદના સાડા ચાર દાયકા બાદ તમે તેને કેવી રીતે યાદ કરો છો એ તેનું મહત્વ શું છે ? એવુંં પૂછતા નયનતારા સહગલે જણાવ્યું હતું કે કટોકટીનું મહત્વ એ હતું કે આપણે આપણા લોકતંત્ર અંગે આત્મસંતોષમાં રાચવાની જરુર નથી. આપણે તેનું સુરક્ષિત જતન કરવા માટે અત્યંત સતર્ક રહેવું જરુરી છે. મારા માટે તેનું મહત્વ એ હતું કે આપણે આપણા નાગરિક સ્વાતંત્રનું રક્ષણ કરવા માટે એક સંગઠનની જરુર છે માટે જ કટોકટી બાદ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝની (પીયુસીએલ) રચના કરવામાં આવી હતી અને હું તેની સ્થાપનાથી તેની સાથે સંકળાયેલ છું અને કેટલાક વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી છે.
બળજબરીપૂર્વક નસબંધી સહિતના અભૂતપૂર્વ દમનકારી પગલા અને ગરીબો અને ઉપેક્ષિત એવા નાગરિકોની સમગ્ર વસાહતોનો ધ્વંસ જેવા જલદ પગલાઓ અંગે આપ શું માનો છો ? શું રાતોરાત લોકશાહી સરમુખત્યારશાહીમાં ફેરવાઇ ગઇ હતી ? આ બધા પ્રશ્નોના જવાબ આપતા નયનતારા સહગલે જણાવ્યું હતું કે રાતોરાત આવું બન્યું છે એવુુંં હું માનતી નથી. શ્રીમતી ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન હું ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં રાજકીય સમીક્ષા લખતી હતી અને મને સ્પષ્ટ થઇ ગયું હતું કે આપણે હવે આપખુદશાહી તરફ આગળ વધી રહ્યા છીએ.
લોકોએ વર્તમાન મોદી સરકારની કટોકટીના દિવસો સાથે કેમ તુલના કરવાનું શરુ કર્યુ છે? એ વખતે અને અત્યારે પ્રવર્તતી સ્થિતિ વચ્ચે શું ફરક છે એ કેવી સામ્યતા છે ? આ પ્રશ્નનો જવાબ આપતા નયનતારા સહગલે જણાવ્યું હતું કે અત્યારે આપણે ત્યાં અઘોષિત કટોકટી છે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. આપણે અભિવ્યક્તિના સ્વાતંત્ર પર વ્યાપક અને જંગી આક્રમણ જોયું છે.
આપણે ભારતના ઇજીજીના મંતવ્યમાં ફીટ નહીં બેસતા નિર્દોષ, નિઃસહાય ભારતીયોની હત્યા થતી જોઇ છે. જાણીતા અને અજાણ્યા ભારતીયોની હત્યા આપણે જોઇ છે. ગૌરી લંકેશ જેવા લેખકોની પણ હત્યા થઇ છે. આમ અત્યારે આપણે એવુુંં દુઃસ્વપ્ન જોઇ રહ્યા છીએ જે કટોકટી કરતાં પણ વધુ ખરાબ છે એવુંં નયનતારા સહગલે જણાવ્યું હતું. સરકાર લોકતાંત્રિક હોવાનો દંભ કરે છે અને આપણી આજુબાજુ શું બની રહ્યું છે તે આપણે જોઇ રહ્યા છીએ.