(એજન્સી) શ્રીનગર, તા.૨૪
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો માર્ગ છોડી સેનામાં સામેલ થનાર શહીદ લાંન્સ નાયક નઝીર અહેમદ વાનીને આ વર્ષના સર્વોચ્ચ વીરતા અશોકચક્ર પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવ્યા છે. નઝીર વાની કાશ્મીર ઘાટીમાં ૬ આતંકવાદીઓને ઠાર મારનારા ઓપરેશનમાં સામેલ હતા અને આ ઓપરેશન દરમિયાન નઝીર શહીદ થયા હતા. એક સમયે નઝીરે આતંકવાદનો માર્ગ અપનાવી લીધો હતો, પરંતુ પછીથી તેમણે આતંકવાદનો માર્ગ છોડી દઈ ટેરોટોરિયલ સેનામાં જોડાયા હતા. આતંકવાદીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવતા ૩૪ રાષ્ટ્રીય રાઈફલ્સના ઓપરેશનમાં નઝીર વાની સામેલ હતા. જેમાં ૬ આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને આ ઓપરેશન દરમિયાન નઝીર વાની શહીદ થયા હતા. તેમણે જમ્મુ-કાશ્મીર લાઈટ ઈનફેન્ટ્રીમાં પણ જોડાયા હતા. આ અગાઉ પણ આતંકવાદીઓ વિરૂદ્ધ તેમની વીરતા માટે નઝીર વાની બે વખત સેના મેડલથી સન્માનિત થયા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચક્કી અશ્મુજી ગામના નિવાસી હતા. શહીદ નઝીર વાની પત્ની અને ૩ બાળકોને વિલાપ કરતા મૂકી ગયા છે.