(એજન્સી)
શ્રીનગર, તા.૧૦
નેશનલ કોન્ફરન્સના માર્ગે ચાલીને સોમવારે પાર્ટી ધારાસભ્યોની સાથે બેઠક પછી પીડીપીએ પણ સ્થાનિક અને પંચાયત ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. નેશનલ કોન્ફરન્સ પહેલા જ આ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી શું કર્યું છે. નેશનલ કોન્ફરન્સ દ્વારા આ ચૂંટણીના બહિષ્કારની જાહેરાતથી રાજ્યની રાજનીતિમાં મોટું પરિવર્તન અનુભવાઈ રહ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે નેશનલ કોન્ફરન્સના આ પગલાથી રાજ્યના સામાન્ય માણસની વચ્ચે તેની સ્થિતિ મજબૂત થઈ હતી. ભાજપની સાથે પીડીપીના ગઠબંધનની સરકાર ધ્વસ્થ થયા બાદ લોકોના મનમાં પીડીપી અંગે થોડી ખચકાટ ઉદ્‌ભવી હતી.
નેશનલ કોન્ફરન્સના બહિષ્કારની જાહેરાતથી તેને રાજકીય પ્રગતિ મળી હતી. તેને જોતા પીડીપી માટે આ સમય મુશ્કેલ હતો. જો તે આ ચૂંટણીમાં ભાગ લેતી તો તેને રાજ્યની જનતાનો રોષ સહન કરવો પડતો. પીડીપી આ ચૂંટણી અંગે બુધવારથી જ સતત મંથન કરી રહી હતી. ગુરૂવારે શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની સાથે બેઠક પછી મહેબુબાએ આ મુદ્દે પોતાનું વલણ સખ્ત કરવાનો નિર્ણય લીધો. રવિવારે ગાંદરબળના કેગનમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા મહેબુબાએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યની સ્થિતિ માટે અનુકુળ નથી. અંતે સોમવારે પાર્ટી ધારાસભ્યોની બેઠક પછી મહેબુબા મુફતીએ સ્થાનિક અને પંચાયત ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે.
મહેબુબા મુફતીએ જણાવ્યું કે સ્થાનિક તેમજ પંચાયત ચૂંટણી પર વાત ચાલી રહી છે. તેમની સરકારે પણ બધાની બેઠક બોલાવી હતી. ત્યારે બધાની સંમતી હતી કે ચૂંટણી માટે પરિસ્થિતિ અનુકુળ નથી. બધાને સુરક્ષા પુરી પાડવી સંભવ નથી. આશા છે કે ગવર્નર પણ સર્વપક્ષી બેઠક બોલાવીને પરિસ્થિતિ પર ચર્ચા કરશે અને ત્યારે નિર્ણય કરશે. પરંતુ સમસ્યા એ છે કે ૩પ-એને ભેગી કરી દેવામાં આવી. કોર્ટમાં જણાવવામાં આવ્યું કે ૩પ-એ પર સુનાવણી સ્થગિત કરી દેવામાં આવે કારણ કે પંચાયત ચૂંટણી થવાની છે. તેનાથી સમસ્યા વધી ગઈ અને લોકોમાં શંકા ઉદ્‌ભવી.
મહેબુબાએ દક્ષિણી કાશ્મીર જે પીડીપીનું ગઢ છે. ત્યાં પરિસ્થિતિ ખરાબ હોવાના પ્રશ્ન પર જણાવ્યું કે આ માત્ર દક્ષિણી કાશ્મીરની વાત નથી. સંપૂર્ણ રાજ્યમાં જ્યાં સુધી પોલિટીકલ પ્રોસેસ શરૂ નહીં થાય, વાતચીતની પ્રક્રિયા શરૂ નહીં થાય ત્યાં સુધી સ્થિતિ બદલાશે નહીં. સીઝફાયર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગૃહમંત્રીએ વાતચીતનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તે અમુક કારણોસર રોકાઈ ગયું તેને આગળ વધારવાની જરૂર છે. ઈમરાન ખાનની મિત્રતાનો હાથ આગળ કરીને જવાબ આપવો જોઈએ ત્યારે જ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાશે.