અમદાવાદ, તા.ર૪
ર૦૦રના હુલ્લડો મુસ્લિમ વિરોધી નથી તેવું દર્શાવાયું છે. પણ ૧૯૮૪ના રમખાણો શીખ વિરોધી હતા તેમ રહેવા દેવાયું છે. ૧રમા ધોરણના નવા પુસ્તકોમાંથી એનસીઈઆરટીએ ગુજરાત હુલ્લડોમાંથી મુસ્લિમ વિરોધી શબ્દ હટાવ્યો છે. આ પુસ્તકના ગત સંસ્કરણમાં સંબંધિત પેરેગ્રાફમાં પહેલું વાક્ય હતું કે ફેબ્રુઆરી-માર્ચ ર૦૦રમાં મુસ્લિમ વિરૂદ્ધ મોટા પ્રમાણમાં ગુજરાતમાં હિંસા થઈ હતી. બદલાયેલા પુસ્તક એનસીઈઆરટીના પુસ્તકમાં સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો અને ડિજિટલ ઈન્ડિયા તથા નોટબંધી સાથે જોડાયેલા પ્રકરણોને પણ સામેલ કરવામાં આવ્યા છે.
એનસીઈઆરટીના બારમાં ધોરણના રાજનીતિ શાસ્ત્રના નવા પુસ્તકમાં ર૦૦રના ગુજરાત હુલ્લડોના વર્ણનમાંથી મુસ્લિમ વિરોધી શબ્દ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્છતંત્રતા બાદથી ભારતમાં રાજનીતિ નામના એક અધ્યાયના સબ-હેડમાં આ પરિવર્તન કરવામાં આવ્યું છે. રસપ્રદ એ છે કે આ પ્રકરણમાં ૧૯૮૪ના રમખાણોને શીખ વિરોધી તરીકે વર્ણવાનું ચાલુ રખાયું છે. સંશોધિત સંસ્કરણમાં હવે ર૦૦રના રમખાણો મામલે હવે ગુજરાત હુલ્લડ લખેલું હશે. આ પુસ્તકના ગત સંસ્કરણમાં સંબંધિત પેરેગ્રાફમાં પહેલું વાક્ય હતું. ફેબ્રુઆરી-માર્ચ ર૦૦રમાં મુસ્લિમો વિરૂદ્ધ મોટા પ્રમાણમાં ગુજરાતમાં હિંસા થઈ. પરંતુ ફરીથી પ્રકાશિત થયેલા પુસ્તકમાં મુસ્લિમોની વિરૂદ્ધ તેવા શબ્દસમૂહનો ઉલ્લેખ નથી. બાકીના ભાગ જૂના પુસ્તકવાળો જ છે. આ પુસ્તકમાં સમગ્ર ઘટનાક્રમમાં કેવી રીતે કારસેવકોથી ભરેલી ટ્રેનને આગ લગાવી દેવામાં આવી અને બાદમાં મુસ્લિમો વિરૂદ્ધ હિંસા થઈ અને હિંસાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ એનએચઆરસી દ્વારા ગુજરાત સરકારની ટીકા કરવાની વિગત પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક પહેલીવાર ર૦૦૭માં પ્રકાશિત થયું હતું અને તે વખતે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તામાં હતી. પેરેગ્રાફમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અયોધ્યાથી પાછી ફરી રહેલી એક ટ્રેનની બોગી કારસેવકોથી ભરેલી હતી. તેમાં આગ લગાવી દેવામાં આવી. આ આગમાં પ૭ લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં મુસ્લિમોનો હાથ હોવાની આશંકાને કારણે બીજા દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મુસ્લિમોની વિરૂદ્ધ મોટા પ્રમાણમાં હિંસા શરૂ થઈ હતી. આ હિંસા લગભગ એક માસ સુધી ચાલુ રહી. આ હિંસામાં લગભગ ૧૧૦૦ લોકો, જેમાં મોટાભાગના મુસ્લિમો હતા. તેઓ માૃયા ગયા હતા. સંસદમાં રજૂ કરાયેલા સરકારના જવાબ પ્રમાણે ર૦૦રમાં ગુજરાત હુલ્લડોમાં ૭૯૦ મુસ્લિમ અને રપ૪ હિન્દુઓ માર્યા ગયા હતા. રર૩ લાપતા અને રપ૦૦ ઈજાગ્રસ્ત થયા હતા.
એનસીઈઆરટી એક સ્વાયત્ત સંસ્થા છે અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને શાળાકીય શિક્ષણ પર સલાહ આપે છે. આ પરિવર્તનો માટે પહેલીવાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ગત વર્ષ જૂનમાં સૂચન કર્યું હતું. ત્યારે આર.કે. ચતુર્વેદી તેના અધ્યક્ષ હતા.