(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૭
ગુજરાતની ભાજપ સરકારના રાજમાં ભાજપ સિવાય અન્ય પક્ષોના ધારાસભ્યોના કે તેમના મત વિસ્તારના કામો કરવામાં આવતા નથી કે કામો કરવામાં વિલંબ કરવામાં આવે છે. તે તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ અને આજે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપેલા નિવેદન પરથી સાબિત થાય છે. કારણ કે મોટા ભાગના ધારાસભ્યોએ ભાજપને સમર્થન જાહેર કરતી વખતે તેમના વિસ્તારના વિકાસના કામ માટે ભાજપના ઉમેદવારને મત ન આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કે એનસીપીના ધારાસભ્ય જીત્યા બાદ અઢી વર્ષ સુધી તેમને કોઈ તકલીફ ન હતી. પરંતુ રાજયસભાની ચૂંટણી નજીક આવતા કોઈ કારણસર અચાનક તેઓને પ્રજાના કામોની યાદ આવી જાય છે. હાલમાં જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તેમાંથી કેટલાક ધારાસભ્યોએ તેમના વિસ્તારના કામ માટે રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. એ જ રીતે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આજે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કર્યા બાદ ભાજપને મત આપવાની જાહેરાત કરી હતી, સાથે સાથે તેમણે પોતાના મત વિસ્તારના વિકાસના કામ માટે ભાજપને સમર્થન આપવાની વાત કરી હતી. આમ રાજીનામું આપનારા તમામ ધારાસભ્યોને અત્યાર સુધી પ્રજાના કે તેમના વિસ્તારના વિકાસ કામોની પડી ન હતી. પરંતુ રાજયસભાની ચૂંટણીમાં યેનકેન પ્રકારે તેમનું નાક કે નસ શું દબાવવામાં આવી કે તેઓને પ્રજા અને વિસ્તારની યાદ આવી ગઈ ? ઉપરાંત તેઓના નિવેદનથી એવો પણ સાર નીકળે છે કે ભાજપ સિવાયના ધારાસભ્યોના વિસ્તારમાં પ્રજાના કામો નહીં કરવા પાછળ પણ ભાજપનું ગણિત સમય આવ્યે નાક દબાવવાનું જ લાગી રહ્યું હોય તેમ જણાય છે. આમ ગુજરાત વિધાનસભામાં એનસીપીની એક બેઠક હતી. જેના પર કોંગ્રેસને આશા હતી. તે આશા પણ આજના નિવેદન બાદ ઠગારી નીવડી છે.