અમદાવાદ, તા.ર
ભાજપમાંથી રાજપા અને ત્યાંથી કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ તે છોડી જન વિકલ્પ પાર્ટી બનાવી પણ તેમાં સફળ ન થતા એનસીપીમાં જોડાયેલા કાદવર નેતા શંકરસિંહ બાપુ ઘડિયાળના કાંટાની જેમ ગોળ-ગોળ ફર્યા બાદ એનસીપીમાંથી પણ તેમનું કદ ઘટાડાયું હોય તેમના સ્થાને ગુજરાત પ્રદેશ એનસીપીના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલ (બોસ્કી)ની પુનઃ વરણી કરવામાં આવતા બાપુ નવા જૂની કરવાના મૂડમાં આવી ગયા છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જયંત પટેલ (બોસ્કી) ના નામની જાહેરાત કરી છે. અગાઉ પણ જયંત પટેલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેને જવાબદારી નીભાવી ચૂક્યા છે. તેઓ હવે શંકરસિંહ વાઘેલાની જગ્યા લેશે. એનસીપી સુપ્રીમો શરદ પવારે જયંત પટેલની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે.
જયંત પટેલના નામની જાહેરાત થવાની સાથે જ હવે શંકરસિંહ વાઘેલાને તેમની સાથે મળીને ગુજરાતમાં પાર્ટી માટે કામ કરવાનું રહેશે. શંકરસિંહનું પાર્ટીમાં કદ ઘટતા તેઓ કંઈ નવાજૂની કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તેમણે પોતાના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટની પ્રોફાઈલ પરથી એનસીપી નેતા તરીકેની ઓળખ હટાવીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે પોતાને રજૂ કર્યા છે. અગાઉ શંકરસિંહ પોતાના ટિ્‌વટર એકાઉન્ટમાં પોતાને એનસીપી ના જનરલ સેક્રેટરી તરીકે રજૂ કરતા હતા.
શંકરસિંહ વાઘેલાને ગુજરાતના રાજકારણમાં ચાર દાયકાથી વધુનો અનુભવ છે. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં સક્રિય સભ્ય હતા. તેમણે ગુજરાતમાં આરએસએસના સ્વયં સેવક તરીકે અને ભાજપમાં સંગઠન વિસ્તારવાનું મોટુ કામ કર્યું હતું. સંઘ અને ભાજપના વિકાસમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. શંકરસિંહ વાઘેલાએ ૨૦ ઓગસ્ટ, ૧૯૯૬માં ભાજપ સાથે છેડો ફાડયો હતો. જે બાદ તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) તરીકે નવી પાર્ટી બનાવી હતી, પરંતુ તેમના મોટાભાગના સાથીઓ પાછા ભાજપમાં ભળી જતા તેમણે કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસ સાથે પણ છેડો ફાડીને જનવિકલ્પ પાર્ટી બનાવીને ૧૦૦ બેઠકો પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે તેમની પાર્ટીનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જે બાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા. જ્યાંથી પણ હવે તેમનું કદ ઘટતા હવે કઈ પાર્ટીમાં જશે તેવી ટકોર લોકો કરી રહ્યા છે.