(એજન્સી) તા.૧પ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ મંગળવારે ઈલેકટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) પર અવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કર્ણાટક ચૂંટણીમાં ભાજપનો દેખાવ અવિશ્વાસનીય છે કારણ કે જે પરિણામો આવ્યા છે તે વાસ્તવિક પરિસ્થિતિ સાથે મેળ ખાતા નથી. મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે કહ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસ સારી પરિસ્થિતિમાં હતી અને સિદ્ધારમૈયાને સત્તા વિરોધી જુવાળનો સામનો કરવો પડ્યો નથી. ભવિષ્યની ચૂંટણીઓ મતપેટીઓ વડે કરાવવાની માગણી કરતા તેમણે કહ્યું હતું કે આ સંદર્ભમાં ભાજપની જીત અવિશ્વાસનીય છે. લોકોના મનમાં જે હતું અને જે પરિસ્થિતિ ઊભરીને સામને આવી છે તેમાં તફાવત છે. તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં ભાજપની પહોંચ મર્યાદિત છે. પરિણામોનું યોગ્ય વિશ્લેષણ થવું જોઈએ. ચૂંટણીપંચે શંકા દૂર કરવા મતપેટીઓ દ્વારા ચૂંટણીઓ યોજવી જોઈએ. તેનાથી વિલંબ થશે પરંતુ શંકાઓ દૂર થઈ જશે.