(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત થતા રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે દોડધામ શરૂ થઈ ગઈ છે ત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ ગણાતી રાધનપુર બેઠક પર એનસીપીએ પણ ઉમેદવારની જાહેરાત કરતા ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે. એનસીપીએ આજરોજ રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના જ મોટું માથું ગણાતા ફરશુ ગોકલાણીના નામની જાહેરાત કરતા કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસમાં પ્રવેશતા જ ઘણું બધું પ્રાપ્ત કર્યા છતાં સંતોષ ન થતાં મંત્રી પદ મેળવવાની લાલચમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી પાછળથી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો અને હવે રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા થનગની રહ્યો છે. આથી કોંગ્રેસ પણ અલ્પેશ ઠાકોરનો બદલો લેવા તેને બરાબર ટક્કર આપી શકે તેવા ઉમેદવારની શોધમાં છે અને બે નામો પર તો તેણે અંદરખાને પસંદગી પણ કરી લીધી છે. ત્યારે કોંગ્રેસના અરમાનો પણ પાણી ફેરવતા હોય તેમ એનસીપીએ તેના ઉમેદવારના નામની જાહેરાત કરી દેતા કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે. એનસીપીએ કોંગ્રેસથી નારાજ ફરશુ ગોકલાણીને મનાવી લેતા ફરશુભાઈએ પક્ષ પલટો કરી એનસીપીમાં પ્રવેશ મેળવ્યો છે અને રાધનપુર બેઠક પરથી તેમના નામની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને હરાવવા મક્કમ હોવાથી રાધનપુર બેઠક પરથી ઠાકોર ઉમેદવારને જ ઉતારવાની વ્યૂહરચના બનાવી છે. આથી તેઓ જગદીશ ઠાકોર અથવા ગેનીબેન ઠાકોરને ઉતારી શકે છે. જો કે જગદીશ ઠાકોરે તો નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. જો કે કોંગ્રેસના આગેવાનો જગદીશ ઠાકોરને મનાવશે અને જો તેઓ ન માને તો ગેનીબેનને મેદાનમાં ઉતારે તેવી શકયતા છે. આમ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ કાંટે કી ટક્કર જેવી રાધનપુર બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે.