(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૭
રાફેલ અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારની ટિપ્પણીથી નારાજ થયેલા એનસીપીના પૂર્વ નેતા તારિક અનવર આખરે શનિવારે કોંગ્રેસ પાર્ટીંમાં સામેલ થઇ ગયા હતા. એનસીપીના નેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા હતા. અનવરે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસમાંથી જ કરીહતી જ્યારે ૧૯૯૯માં શરદ પવારે એનસીપી બનાવી ત્યારે તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. શરદ પવારે રાફેલ સોદા વિવાદમાં પીએમ નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો જેના કારણે અનવર ભારે નારાજ હતા. તારિક અનવરે ૨૯મી સપ્ટેમ્બરે લોકસભા સાંસદ તથા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ તેઓ તેઓ સૌથી જુની પાર્ટીમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યા હતા. બિહારમાંથી અનવર એકમાત્ર એનસીપીના લોકસભા સાંસદ હતા અને તેમણે કહ્યું હતું કે, જ્યારે સમગ્ર વિપક્ષ રાફેલ સોદામાં તપાસમા માગ માટે એકજૂથ હતો તેવા સમયે પવારના નિવેદનથી નારાજ થયો હતો. પવારે કથિત રીતે એવું જણાવ્યું હતું કે, ફ્રાન્સ સાથે સંકળાયેલા રાફેલ ફાઇટર જેટના સોદાની વિગતો મેળવવાની વિપક્ષની માગનો કોઇ અર્થ નથી. એનસીપીમાં તિરાડ એવા સમયે પડી છે જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને અનવરના કોંગ્રેસમાં જોડાવાથી સૌથી જુની પાર્ટીને બળ મળ્યું છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ૪૦ બેઠકોની વાત નક્કી : NCP

(એજન્સી) ઔરંગાબાદ, તા.ર૭
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે ર૦૧૯ માટે વિપક્ષની વ્યૂહરચનામાં પરિવર્તન તરફ ઈશારો કરતાં કહ્યું છે કે, પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન ભાજપના વિકલ્પ તરીકે સામે આવશે. જો કે, આ ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે, તેના જવાબમાં તેઓ વારંવાર એવું જ કહેતા રહ્યા કે, આ લોકસભાની ચૂંટણી બાદ જ નક્કી થશે. તેમણે તેમ પણ જણાવ્યું કે, મહારાષ્ટ્રની ૪૦ લોકસભાની બેઠકો પર કોંગ્રેસ સાથે એનસીપીની સહમતી થઈ ચૂકી છે. ગુરૂવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદની મુલાકાત દરમિયાન શરદ પવારે કહ્યું કે, તેઓ પહેલેથી જ તમામ વિપક્ષી દળોને જાગૃત થઈને ચાલવાની સાથે-સાથે પ્રાદેશિક શક્તિ અને એકબીજાની તાકાત અંગે વિચાર કરવા માટેનું સૂત્ર આપી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે, ડીએમકેએ તામિલનાડુમાં નેતૃત્વ કરવું જોઈએ, કોંગ્રેસે કર્ણાટક અને ગુજરાતમાં, જ્યારે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ આગળ આવવું જોઈએ. શરદ પવારે ૪૦ બેઠકો અંગે સહમતી થઈ હોવાની સાથે કહ્યું કે, અન્ય આઠ બેઠકો વિશે પણ વાત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ઔરંગાબાદ અને પુના સહિત બાકીની બેઠકોના ભવિષ્યનો નિર્ણય આગામી થોડા દિવસોમાં જ લેવામાં આવશે.