(એજન્સી) લખનૌ, તા.૧૮
મહારાણા પ્રતાપ અને બાદશાહ અકબરની તુલના કરવા અને એના માટે વપરાયેલ ભાષા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યની રષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાંકપા)એ ઝાટકણી કાઢી છે. પાર્ટીએ જણાવ્યું કે સાર્વજનિક મંચો પરથી આવી તુલના કરવી એ બહુભાષી, બહુધર્મી, બહુ સાંસ્કૃતિક ભારતના મૂળ ખ્યાલથી વિરૂદ્ધ અને વિપરિત છે. ભારતીય સમાજ આ પ્રકારની તુલનાનો ક્યારેય સ્વીકાર કરશે નહીં. પાર્ટીએ કહ્યું કે યોગી ફકત ગૌરક્ષાધામ પીઠના મહંત જ નહીં પરંતુ બંધારણીય હોદ્દા પર હોવાથી સમજને વિભાજિત કરતા નિવેદનોથી દૂર રહેવું જોઈએ. રાંકપાના પ્રદેશ અધ્યક્ષ ડો.રમેશ દીક્ષિતે જણાવ્યું કે અકબરને આપણે વિદેશી કહી શકતા નથી અને વિધર્મી કહેવું બાદશાહ અકબરનું અપમાન કરવા સમાન છે. તેમણે કહ્યું કે રાજા-મહારાજાઓ પોતાનું સામ્રાજ્ય વધારવા યુદ્ધ કરતા હતા. સમગ્ર વિશ્વનો ઈતિહાસ આ વાતનો સાક્ષી છે. ડો.દીક્ષિતે કહ્યું કે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ દ્વારા જે વ્યાખ્યાન આપવામાં આવ્યું તે અતિ નીંદનીય છે. જે પ્રદેશના આગ્રાથી બાદશાહ અકબરનું સામ્રાજ્ય ચાલતું હતું એ જ પ્રદેશના મુખ્યમંત્રી આવા અલગતાવાદી અને નફરતભર્યા નિવેદન આપે છ તે વખોડવા લાયક છે. ડો.દીક્ષિતે જણાવ્યું કે બાદશાહ અકબરે કોઈ ધર્મ વિશેષ માટે નહીં પરંતુ ભારતવાસીઓનું કલ્યાણ થાય તેવી શાસન વ્યવસ્થા બનાવી. યોગીએ રાજનૈતિક રોટલી શેકવા માટે ઈતિહાસના તથ્યો સાથે ચેડાં કરવા જોઈએ નહીં. ઈતિહાસ તેમને ક્યારેય માફ કરશે નહીં. તેમણે કહ્યું કે બાદશાહ અકબરે દેશના વિકાસના કામો કર્યા અને હિન્દુસ્તાનની સરહદો વિસ્તારી અકબરના મંત્રી ટોડરમલે દેશમાં પ્રથમવાર જમીનને સત્તાવાર રીતે માપવા અને દસ્તાવેજોમાં નોંધવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે આશ્ચર્યની વાત એ છે કે જે અંગ્રેજોએ દેશને લૂંટ્યો, અહીંની સંપદા બહાર લઈ ગયા એના વિશે વડાપ્રધાન મોદી અને સીએમ યોગી સરકાર એક પણ શબ્દ સુદ્ધાં ઉચ્ચારતા નથી. ડો.દીક્ષિતે કહ્યું કે યોગી-મોદીના સંઘ પરિવારે અંગ્રેજો વિરૂદ્ધ ક્યારેય કશું બોલ્યા નથી અને આઝાદીની લડાઈનો અંગ્રેજોને સાથ આપી સ્વતંત્ર સૈનાનીઓની ગુપ્ત મહિતી આપી અંગ્રેજો પાસેથી ભેટ મેળવતા રહ્યા. તેમણે કહ્યું કે દેશ સાથે દગો કરનારા, આજે ખુદને રાષ્ટ્રવાદી જણાવી રહ્યા હોવાનો ઢંઢેરો પીટી રહ્યા છે તે હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગીને ઈતિહાસ અંગે યોગ્ય જ્ઞાનની જરૂર છે. ડો. દીક્ષિતે કહ્યું કે ભારત ફાંસીવાદ તરફ વધી રહ્યો છે એવો દુનિયાને સંદેશ આપતા નિવેદન સીએમ યોગીએ કરવા જોઈએ નહીં. મુખ્યમંત્રીના આવા બિનજવાબદાર નિવેદનોને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.