(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
બિહારમાં એનડીએના ચૂંટાયેલા ધારાસભ્યોની સંયુક્ત બેઠક રવિવારે થશે જ્યાં નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે. એનડીએમાં જેડીયુ, ભાજપ, એચએએમ અને વીઆઇપી પાર્ટીનો સમાવેશ થાય છે. ૧૫મી નવેમ્બરે બપોરે ૧૨.૩૦ વાગે આ બેઠક યોજાશે. શુક્રવારે યોજાયેલી બેઠકમાં બિહારમાં સરકાર બનાવવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. બેઠક બાદ નિતિશ કુમારે મિડિયાને કહ્યુ હતુ કે, ૧૫ નવેમ્બરે બપોરે ફરી એક વખત એનડીએના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવશે. એનડીએના ચૂંટાયેલા ધારાસભ્યો નવી સરકાર અંગે નિર્ણય લેશે. ધારાસભ્યો પોતાના નેતાની પસંદગી કરશે અને નવી સરકારની રુપરેખા પણ નક્કી કરશે. દરમિયાન હાલની સરકારની અંતિમ બેઠક આજે સાંજે ચાર વાગ્યે થનાર છે.જેમાં નિતિશ કુમાર હાલની વિધાનસભા ભંગ કરવા માટે રાજ્યપાલને ભલામણ કરશે.આ દરેક ચૂંટણી બાદ થતી પ્રક્રિયા છે.જેનુ પાલન કરવામાં આવશે.બિહારમાં નવી સરકારની રચના મુખ્યમંત્રી નિતિશ કુમારના નેતૃત્વ હેઠળ જ કરવામાં આવશે.નિતિશ કુમારની હાલની કેબિનેટના આઠ મંત્રીઓને આ વખતે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.એટલે એટલુ તો નક્કી જ છે કે, આ આઠ મંત્રાલયમાં નવા ચહેરાઓને તક મળશે. નિતિશકુમારની પાર્ટી જેડીયુને આ વખતે ભાજપ કરતા ઓછી બેઠકો મળી છે.ભાજપને ૭૪ તો જેડીયુને ૪૩ બેઠકો મળી છે.મુખ્યમંત્રી તરીકે તો ભાજપે નિતિશ કુમારનુ જ નામ આગળ ધર્યુ છે પણ કેબિનેટની રચનામાં ભાજપને વધારે પ્રતિનિધિત્વ મળે છે કે કેમ તે જોવાનુ રહેશે.
Recent Comments