(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ટીડીપીએ આખરે શુક્રવારે એનડીએ સાથે છેડો ફાડવાનું નક્કી કરી લીધું છે આંધ્રપ્રદેશને સ્પેશિયલ રાજ્યના દરજ્જાનો કેન્દ્ર સરકારના ઇન્કારનો નરેન્દ્ર મોદી સરકારનો વિરોધ દર્શાવતા તાજેતરમાં જ તેના બે મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા હતા. દરમિયાન પાર્ટી મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી હતી જ્યારે વાયએસએર કોંગ્રેસે ગુરૂવારે જ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પાઠવી દીધી હતી જેની ચર્ચા શુક્રવારે થવાની હતી પરંતુ ભારે હોબાળાને કારણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકી નહોતી. લોકસભામાં વાયએસઆર કોંગ્રેસના વાયવી સુબ્બારેડ્ડી અને ટીડીપીના ટી નરસિમ્હમે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ ગૃહમાં વ્યવસ્થા ન હોવાને કારણે તેને આગળ વધારી શકાયું નહોતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં મોદી સરકાર સાથે છેડો ફાડવાનીજાહેરાત કર્યા બાદ જ શુક્રવારે ટીડીપી સંસદમાં મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. જોકે, સદનની કાર્યવાહી યોગ્ય રીતે ચાલતી ન હોવાની દલીલ આગળ ધરી અધ્યક્ષ સુમિત્રા મહાજને લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દીધી હતી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોનો ટેકો હોવો જોઇએ અને ટીડીપીના ૧૬ જ્યારે વાયએસઆર કોંગ્રેસના નવ સાંસદો આ પ્રસ્તાવનું સીધું સમર્થન કરે છે. બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરીઓએ પણ આ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન કર્યું હતું. સીપીઆઇએમના મોહમ્મદ સલીમે કહ્યું કે, જો આંધ્રપ્રદેશની સ્થાનિક પાર્ટીઓ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહી છે તો અમે તેનું સમર્થન કરીશું. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે આ પ્રસ્તાવનું સમર્થન કરીએ છીએ પરંતુ બે સ્થાનિક પક્ષો આ અંગે રાજનીતિ ના કરે. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, અવિશ્વાસ મત માટે ભાજપ તૈયાર છે અને તેને કોઇ મુશ્કેલી નહીં નડે. સરકાર પાસે પૂરતો સંખ્યાબળ છે અને અમે સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.
ટીડીપીએ શા માટે કેન્દ્ર સરકારમાંથી છૂટા થવું પડ્યું :
૧૦ મહત્વના મુદ્દા
૧. વર્ષ ૨૦૧૪માં તેલંગાણા રાજ્ય અલગ બન્યું ત્યારથી આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગ ચાલી રહી છે. નાયડુએ કહ્યું કે, આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્રએ વાયદો કર્યો હતો અને બાદમાં વાયદો નિભાવવા ઇન્કાર કરે છે.
૨. સમય અનુસાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશને ખાસ રાજ્યના દરજ્જાને પાંચ વર્ષ સુધી વધારી દેવાશે.
૩. ખાસ રાજ્યનો દરજ્જો એને મળે છે જે રાજ્યને તેના ઇતિહાસ અનુસાર અન્ય રાજ્યોની જેમ યોગ્ય લાભ મળતો ન હોય. રોકાણકારી, આર્થિક અને માળખાકીય નબળાઇને કારણે પણ રાજ્યને ખાસ કેટેગરીમાં મુકી શકાય છે.
૪. આવા રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી પણ ખાસ રાહત આપવામાં આવે છે જેમાં વિવિધ યોજનાઓનો પણ સીધો લાભ મેળવી શકાય છે.
૫. પરંતુ ૨૦૧૫માં ૧૪મા નાણાપંચે ખાસ દરજ્જા અને સામાન્ય દરજ્જાનો તફાવથ સમાપ્ત કરી દીધો હતો.
૬. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, સરકાર આંધ્રને ખાસ રાજ્યની કેટગરી આપવા માગે છે પરંતુ સ્પેશિયલ દરજ્જો ના મળી શકે કારણ કે આ ઉત્તરપૂર્વ અને પર્વતીય રાજ્યો માટે જ સીમિત છે. જેટલીએ એમ પણ કહ્યું કે, અન્ય રીતે ૯૦ઃ૧૦ના રેશિયોમાં કેન્દ્ર ભંડોળ આપવા તૈયાર છે.
૭. જોકે, ટીડીપીએ કહ્યું છે કે, આંધ્રપ્રદેશનેખાસ રાજ્યનો દરજ્જો લાગણીઓથી જોડાયેલો છે. તેણે દાવો કર્યો કે ભાજપે ખાસ રાજ્યના દરજ્જાને ટેકો આપ્યો હતો પરંતુ વાયદા પુરા કરવામાં નિષ્ફળ ગઇ છે.
૮. નાયડુએ એમ પણકહ્યું કે, જેટલીએ આંધ્રને ખાસ સંરક્ષણ બજેટમાંથી ભંડોળ આપવાની ઓફર કરી હતી જે અમારા માટે શરમજનક હતું.
૯. આગામી વર્ષે સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા ટીડીપી વાયએસઆર કોંગ્રેસ જેવા વિપક્ષોના રાજ્ય માટે નિષ્ફળ ગયાના આરોપો સહન કરી રહી છે.
૧૦. કેન્દ્ર પર દબાણ લાવવામાં નિષ્ફળ ગયા બાદ ટીડીપીએ પોતાના બે મંત્રીઓને કેબીનેટમાંથી પરત ખેંચી લીધા હતા. જોકે, શુક્રવારે ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો અને સંસદમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વલણ અપનાવ્યું હતું.