(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૦
મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે વિદેશી યુનિવર્સિટીઝને ભારતમાં પોતાના કેમ્પસ સ્થાપિત કરવાની મંજૂરી આપવાની યોજના બનાવી હતી પરંતુ મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ આ યોજનાને બાજુમાં હડસેલી દીધી હતી. જોકે, હવે મોદી સરકાર એવું બિલ લઇને આવી રહી છે જેનાથી વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં પોતાનું સંચાલન ચલાવી શકે છે. આ બિલને ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ’ નામ આપવામાં આવ્યું છે. આ બિલનો ઉદેશ્ય દેશમાં એક હાયર એજ્યુકેશન રેગ્યુલેટર સ્થાપિત કરવાનો છે જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન(એઆઇસીટીઇ)નું સ્થાન લેશે. એવા અહેવાલો છે કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ કાયદાનો મુસદ્દો ખરડો મંત્રાલયોના વિચાર વિમર્શ માટે મોકલ્યો છે.
બિલમાં એક ક્લોઝ એવો છે જે કહે છે કે, નવું હાયર એજ્યુકેશન કમિશન ‘ઉચ્ચ ગુણવત્તા અને પ્રસિદ્ધ વિદેશી યુનિવર્સિટીઓ’ને ભારતમાં પોતાના કેમ્પસ સ્થાપિત કરવાની મંજૂરી આપે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે એવું જ ફોરેન એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટ બિલ લાવવાના પ્રયાસોકર્યા હતા ત્યારે ભાજપે તેનો ભારે વિરોધ કર્યો હતો. મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં નીતિ આયોગ અને વાણિજ્ય મંત્રાલય સાથે મળીને યુપીએના ફોરેન એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ્‌સ બિલને પુનર્જીવિત કરવાના અનેક પ્રયાસો કર્યા હતા. આની શરૂઆત એપ્રિલ ૨૦૧૫થી થઇ હતી જ્યારે વાણિજ્ય મંત્રાલયે એક વ્યૂહાત્મક પત્ર વિદેશ મંત્રાલય, માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને નીતિ આયોગને મોકલ્યો હતો. આ પત્રમાં વિદેશી મુદ્રા મેળવવા અને ભારતમાં ‘‘ભારતમાં શિક્ષણ’’ બ્રાન્ડને સ્થાપિત કરવાના ઉદેશ્યથી ભારતીય શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણની વાત કરાઇ હતી. યુપીએ સરકારના ફોરેન એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટશન બિલને પુનર્જીવિત કરવું વાણિજ્ય મંત્રાલયના ચાર એક્શન પોઇન્ટમાંથી એક છે.