અમદાવાદ, તા.૬
રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થઈ ગયું છે ત્યારે કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એનડીઆરએફની ચાર ટીમ ગુજરાત માટે રવાના કરાઈ છે. દક્ષિણ પાકિસ્તાનથી ઉદ્‌ભવેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પાંચ કિ.મી. જેટલો મોટો ફેલાવો ધરાવતું હોઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલો સાંપડ્યા છે જ્યારે ઉપરવાસ અને અરવલ્લી જિલ્લામાં થયેલા વરસાદને પગલે ભિલોડાની હાથમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે ૧૦ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહેવાથી લોકોમાં આનંદ છવાયો છે. ગઇ કાલે ઉમરગામમાં ૭ ઇંચ, વલસાડમાં ૬ ઇંચ, દમણમાં પ.પ ઇંચ અને સેલવાસમાં ૪.પ ઇંચ વરસાદ પડતાં દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ ૧ર.૭પ ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગીર-સોમનાથના વેરાવળમાં આજે ફરી મેઘરાજાની પધરામણી થઈ છે અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે દિવસના વિરામ બાદ આજે વ્હેલી સવારથી જ કાળાડીબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, ગોમટા, લીલાખા સહિતના પંથકમાં ૧થી ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબી પંથકમાં પણ આજે સવારે વરસાદી ઝાપટુ પડયું હતું. મોરબીના અનેક વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસતા લોકોમાં આંનદની લાગણી જોવા મળી હતી. શહેરના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં ઠંડક ફેલાતા નગરજનોમાં આનંદ છવાયો હતો. ધીમેધારે વરસાદ થતો હોવા છતાં પણ નગજનોએ ઘરની અંદર જ રહેવાનું યોગ્ય સમજ્યું હતુ. ક્યાંક એકલ દોકલ ટુ વ્હીલર ચાલક યુવતીઓ વરસાદની મજા માણીતી હોય તેમ લટાર મારવા નીકળી હોય તેવી રીતે નજરે ચડે હતી જ્યારે અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે સાબરકાંઠામાં ઈડરમાં બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ભિલોડાની હાથમતી નદીમાં પુરને લઈને ૧૦ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતી નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે. હાથમતી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. જેથી ભિલોડાના બોલુન્દ્રા, કામઠાડિયા સહિતના ૧૦ ગામોમાં સંપર્ક વિહોણા થયા છે. બંને ગામ વચ્ચેના કોઝ-વે પરથી પાણી વહેવા લાગ્યુ છે. ગામના પશુપાલકો કામઠાડિયાથી બોલુન્દ્ર જઈને ડેરીમાં દુધ ભરવાથી વંચિત રહ્યા છે. ગ્રામજનોએ નદી પર પુલ બનાવવાની માંગ શરૂ કરી છે. બીજી તરફ મોડાસામાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. શામળાજી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો શામળાજીમાં વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતુ હતુ. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લાની ધામણી નદીમાં પૂર આવતા બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જ્યારે નદીને બીજે છેડે શાળામાં ગયેલા ૩૦ જેટલા વિદ્યાર્થીઓ ફસાતા તેમના માતા-પિતા ચિંતાતુર બન્યા છે જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો માત્ર ૧પ ટકા વરસાદ થયો છે ત્યારે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.