(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૬
ગત ચોવીસ કલાક દરમ્યાન ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુરની આશંકાના પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.
નવસારી જિલ્લા ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન થયેલ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થયો છે. ચીખલીના હરણ ગામમાં ૧૫૦ તથા નવસારીના ચોવીસી ટાલીયાવાળા વિસ્તારમાંથી ૭૨ પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વઘઈમાં આજે સવારથી પાછો મુશળધાર ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને વલસાડની નદીઓ બંને કાંઠે વહી રહી છે. જેમાં ઘોડાપુર આવવાની શક્યતા જોતા બંને જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો નદી કિનારેના વિસ્તારોમાં અગાઉથી જ એનડીઆરએફને સ્ટેન્ડ બાય ગોઠવવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતા નાળા અને પુલીયાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. ઔરંગા નદી બંને કાંઠે વહી રહી છે. મધુવન ડેમમાં ૧.૫૦ લાખ ક્યુસેકની આવક શરૂ થતા ડેમના નવ દરવાજા પાંચ મીટર સુધી ખોલીને દમણગંગા નદીમાં પાણી છોડાઈ રહ્યા છે.