અમદાવાદ, તા.૧૬
રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઈને કરી હતી. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાબરકાંઠાના જિલ્લાઓ સહિત ૬થી ૭ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.
સોમવારની સવારે ગીરગઢડા તેમજ વલસાડ-નવસારીમાં ભારે વરસાદ થતાં પરિસ્થિતિ વિકટ બની હતી.
મુખ્યમંત્રીએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની હોટલાઈનથી જ ગીર-સોમનાથના જિલ્લા કલેક્ટર સાથે સીધી વાતચીત કરીને બચાવ-રાહત કામોની વિગતો મેળવી હતી.
તેમણે ઉના તાલુકાના પ્રાંત અધિકારી સાથે પણ મોબાઈલ ટેલિફોન સંપર્ક દ્વારા ગીર-ગઢડાના કણકીયા, કનેરી, સનવાવ એમ ત્રણ સંપર્કવિહોણા ગામોની સ્થિતિની પણ માહિતી મેળવી હતી અને આ ગામોનો સંપર્ક ત્વરાએ પ્રસ્થાપિત થઈ જશે તેની જાણકારી લીધી હતી.
મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠક બાદ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ એનડીઆરએફની ૧પ ટીમ તૈનાત છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જરૂણ જણાયે તત્કાળ ડિપ્લોય કરી શકાય તે માટે એનડીઆરએફની વધુ પાંચ ટીમો આવી રહી છે.
એરફોર્સ સત્તાવાળાઓ સાથે પણ રાજ્ય સરકાર સંપર્કમાં છે અને જરૂર જણાયે એરફોર્સની પણ મદદ લેવા અંગે સંકલન થઈ રહ્યું છે.આગામી પાંચ દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહીને પગલે ૨૪૭ સ્ટેટ કંટ્રોલરૂમ તેમજ જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલરૂમ સતત નિગરાની રાખી રહ્યા છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.