(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ઈ.ડી.એ ખાનગી ટી.વી. સમાચાર ચેનલ એન.ડી.ટી.વી.ને કથિત રૂપે વિદેશી વિનિયમ કાયદા (ફેમા)ના ઉલ્લંઘનના આરોપમાં કારણ દર્શાવો નોટિસ જારી કરી છે. આ કેસ લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. ઈ.ડી.એ. ગુરૂવારે નિવેદનમાં કહ્યું છે કે, તપાસમાં એન.ડી. ટી.વી. દ્વારા ૧૬૩૭ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં વિદેશી વિનિયમ વ્યવસ્થા કાયદા (ફેમા)ના ઉલ્લંઘનનો કેસ સામે આવ્યો છે. આ માટે એક અન્ય કેસ ર,૭૩ર કરોડ રૂપિયાના વિદેશી રોકાણનો છે. બીજી તરફ એનડીટીવીની વેબસાઈટ પર આ મુદ્દે એક સ્પષ્ટતા રજૂ કરીને આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. ઈ.ડી. દ્વારા નોટિસ જારી કરવા અંગે એનડીટીવીએ આરોપ મૂક્યો છે કે, સ્વતંત્ર પત્રકારત્વને કારણે તેને સરકાર દ્વારા નિશાન બનાવાઈ રહી છે. ફેમાં નિયમોનું પાલન ના કરવાના કોઈપણ પ્રકારના આરોપોનો એનડીટીવી ઈન્કાર કરે છે. એનડીટીવીનું માનવું છે કે, પોતાના સ્પષ્ટ અને સ્વતંત્ર પત્રકારત્વને કારણે તેને નિશાન બનાવાઈ રહી છે અને તેના દ્વારા અન્ય મીડિયા સંસ્થાઓને એ સંકેત આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જો તમે અમારા માર્ગ પરના ચાલ્યા તો આ પ્રકારના જ પરિણામો ભોગવવા પડશે. મીડિયા માલિકો પર પાડવામાં આવી રહેલા દરોડા આ જ વાતના પુરાવાઓ છે.