અમદાવાદ,તા. ૧૮
નીટ-૨૦૧૭ની પરીક્ષામાં બેઠેલા ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઇ હકારાત્મક નક્કર પગલાં નહી લેતાં મેડિકલમાં પ્રવેશ માટેની કારકિર્દી પર પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકાર દ્વારા તાકીદે વટહુકમ લાવી વિદ્યાર્થીઓની કારકિર્દી બચાવવાની માંગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજયના તમામ ૩૩ જિલ્લા અને આઠ મહાનગર પાલિકાઓમાં કલેકટર સહિતના સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. કોંગ્રેસના સેંકડો કાર્યકરો દ્વારા આજે જિલ્લા-તાલુકા કક્ષાએ રેલી, સૂત્રોચ્ચાર, દેખાવો સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. રાજય સરકાર મૂક પ્રેક્ષક બનીને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકીર્દી સાથે ચેડા કરી રહી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશી, શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ, અમ્યુકો વિપક્ષના કોંગ્રેસના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, અમયુકો વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિતના કોંગી આગેવાનો દ્વારા આજે અમદાવાદ જિલ્લા કલેકટરને નીટના મામલે વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. નીટ મામલે ગુજરાતી વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય બચાવવા ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક વટહુકમ જારી કરવામાં આવે તેવી માંગણી કરી છે. જો સરકાર ગુજરાતી વિદ્યાર્થીઓના હિતમાં વટહુકમ લાવશે તો, કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો જાહેર કરશે એમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમને અલગ-અલગ પેપર કાઢીને સીબીએસઇ અને કેન્દ્ર સરકારે ભારોભાર અન્યાય કર્યો છે. આ ગુજરાતી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી સરકારે આ મામલે કોઇ હકારાત્મક નિર્ણય કર્યો નથી. કોંગ્રેસપક્ષ તરફથી પણ આ મામલે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યા હતા. ગુજરાત સરકારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી સરકારે કોઇ પગલાં લીધા નથી. ગુજરાતી માધ્યમના ૮૦ ટકા વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ના થાય તે જોવાની રાજય સરકારની ફરજ છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું કે, જે રીતે મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા મેરિટલીસ્ટ જાહેર કરાયું તેમાં ગુજરાતી માધ્યમના માત્ર ૧૫ ટકા વિદ્યાર્થીઓનો જ એમબીબીએસના મેરિટલીસ્ટમાં સમાવેશ થયો હોવાનું જાણવા મળે છે. તેનો અર્થ એ થયો કે, છેલ્લા ૨૫ વર્ષમાં જે રીતે મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં સીબીએસઇ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ૧૦ ટકા જેટલી બેઠકો મળતી હતી અને આજે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માત્ર ૧૫ ટકા બેઠકો મળે તેવી દયનીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સપનું રોળાય નહી તે માટે તાત્કાલિક વટહુકમ લાવવા દોશીએ રાજય સરકાર સમક્ષ માંગણી કરી છે.
નીટમાં ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયા

Recent Comments