(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
મેડિકલમાં પ્રવેશ માટે ફરજિયાત કરવામાં આવેલી નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાથી ન્યાયની માગણી કરતા વાલી મંડળ દ્વારા અમદાવાદ શહેરના નહેરૂબ્રિજ પાસેના સરદાર બાગ ખાતે ધરણા કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમ કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ સમર્થન આપ્યું હતું. ત્યારે આ ધરણાં કાર્યક્રમમાં ગુજરાતના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં થયેલ અન્યાય મુદ્દે ન્યાય અપાવવા ખુદ સરકાર સુપ્રીમમાં જાય તેવો સૂર વહેતો થયો હતો.
સરદાર બાગ ખાતે નીટના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટેના ધરણા કાર્યક્રમમાં વાલી મંડળના અગ્રણી, વિદ્યાર્થીઓ અને પાસના હાર્દિક પટેલ, વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. જેમાં વાલી મંડળના અગ્રણીઓએ જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં પ્રાદેશિક ભાષામાં લેવાયેલા પેપર અઘરા હોવાથી વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાથી વાલીઓ સુપ્રીમમાં ગયા હતા. જેમાં સુપ્રીમે પણ તેને સ્વીકાર્યુ છે. ત્યારે રાતોરાત નીટની પરીક્ષા લાવનારી સરકાર ગુજરાતી માધ્યમ સહિત પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓને થયેલા અન્યાય મુદ્દે ન્યાય અપાવવા અલગથી મેરીટ લાવે અને અલગ પેપર, અલગ મેરીટની માંગ કરી હતી. તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ખૂદ સરકાર સુપ્રીમમાં જઈને ન્યાય અપાવે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે નીટના વિદ્યાર્થીઓના ધરણા કાર્યક્રમને સમર્થન આપતા હાર્દિક પટેલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારી લડતને ચાલુ રાખો. તમે લડન ચાલુ નહીં રાખો તો સરકાર તમને નબળા સમજશે. તમામ વિદ્યાર્થીઓ ચેનલ બનાવીને વધુને વધુ વિદ્યાર્થીઓને ભેગા મળી વિદ્યાર્થી એકતા કરો. તમારી લડતને અમારૂ સમર્થન છે. આવતી કાલે વાલીમંડળના આગેવાનો અને પાસની ટીમના સભ્યો સાથે સરકારમાં રજૂઆત કરીશું. જો કે અમારા પાટીદાર સમાજના વિવિધ મુદ્દાઓની માંગમાં નીટનો મુદ્દો પણ ઉમેરાયો છે. નીટના મુદ્દે વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે ત્યારે મારી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરને વિનંતી છે કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ના કરો. તેમને ન્યાય અપાવો એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
જો કે પાસની ટીમનું સમર્થન મળ્યા બાદ વાલીમંડળ અને વિદ્યાર્થીઓના ધરણા કાર્યક્રમમાં પાસના વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયા જોડાયા હતા.
નીટની પરીક્ષામાં અન્યાય મુદ્દે ખુદ સરકાર સુપ્રીમમાં જઈને ન્યાય અપાવે

Recent Comments