નવી દિલ્હી, તા.૩૧
વન-ડે સિરીઝ જીતી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ કાલથી અહિંયા શરૂ થનારી ટી-ર૦ સિરીઝમાં પણ વિજય જ એકમાત્ર લક્ષ્યાંક ના મૂળમંત્ર સાથે ઉતરશે જ્યાં તેનું પ્રથમ લક્ષ્યાંક ઝડપી બોલર આશીષ નહેરાને વિજયી વિદાય આપી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમતના સૌથી નાના ફોર્મેટમાં પોતાનું ખાતું ખોલવાનો હશે. લગભગ ૧૯ વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટના રૂપમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર નેહરાએ પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે તેના ઘરેલું મેદાન ફિરોજ શાહ કોટલામાં રમાનારી ટી-ર૦ મેચ તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. જો કે એ જોવું જરૂર રસપ્રદ હશે કે નેહરાને કયા બોલરના સ્થાને અંતિમ ઈલેવનમાં રમાડવામાં આવશે. જો ભારત વિજય મેળવશે તો આ તેની ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-ર૦માં પ્રથમ જીત પણ હશે. ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ જે પાંચ ટી-ર૦ મેચ રમી છે તે બધામાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવી ટીમ છે. જેની વિરૂદ્ધ ભારત અત્યાર સુધી નાના ફોર્મેટમાં વિજય મેળવી શક્યું નથી. પૂરી સંભાવના છે કે આ ક્રમ હાલની સિરીઝમાં તૂટી જશે.