(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધંધુકાની ચૂંટણી સભામાં ડો.બાબાસાહેબ આંબેડકર સાથે કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનો જે આક્ષેપ કર્યો છે તેનો જવાબ આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ અમદાવાદમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન ખોટું બોલી રહ્યા છે. હકીકતમાં નહેરૂએ બાબા સાહેબને બંગાળથી જીતાડીને કાયદામંત્રી બનાવ્યા હતા. દેશનો કોઈપણ નાગરિક ક્યાંય પણ જઈ શકે છે. મને લાગે છે કે વડાપ્રધાને સંવિધાન ઓછું વાંચ્યું છે અથવા તો વાંચ્યું જ નથી. આથી અમને ચિંતા છે કે દેશના વડાપ્રધાન માનસિક અસ્વસ્થ અને બીમાર છે. પ્રાર્થના કરીએ તેઓ ખોટી માનસિકતામાંથી બહાર આવે.
આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન સરદાર અને નહેરૂ વિશે બોલ્યા તેનું અમને દુઃખ છે. ભાજપ અને આરએસએસની કઈ વિચારધારા છે તે દલિત આંદોલન વખતે બધાએ જોઈ છે. ઉપરાંત ડો.બાબાસાહેબ આંબેડકરની ભારતનું બંધારણ લખવામાં વિશેષ મહત્ત્વની ભૂમિકા રહી હતી. કોંગ્રેસમાંથી સંવિધાન સભામાં ડો.એમ.આર. જયકર ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ પંડિત નહેરૂએ ડો.જયકરની આ સીટ ખાલી કરાવીને ડો.આંબેડકરને સંવિધાન સભામાં ચૂંટીને મોકલ્યા હતા. કારણ કે પંડિત નહેરૂ માનતા હતા કે સંવિધાન સભા ડો.આંબેડકર વિના થઈ જ ન શકે અને સંવિધાન સભામાં જે પ્રસ્તાવ રાખ્યો તે જવાહરલાલ નહેરૂએ રાખ્યો હતો. આ ઉપરાંત તેમણે પંડિત નહેરૂએ ડો.આંબેડકર માટે કેવા બલિદાનો આપ્યા હતા તેની વિતગવાર માહિતી આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદી કહે છે કે આંબેડકર બંગાળથી ચૂંટણી લડીને આવ્યા હતા. તો મારે કહેવું છે કે તેઓ દેશના નેતા હતા ગમે ત્યાંથી ચૂંટાઈને આવે. જો એવું જ હોય તો નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલી અને સ્મૃતિ ઈરાનીને કાઢી મૂકવા જોઈએ. મોત પહેલા સંવિધાનને વાંચી લે અને તેનું સન્માન કરે. જો આંબેડકર ચૂંટાઈને ન આવ્યા એટલે તેમને અન્ય જગ્યાએથી જીતાડીને લાવ્યા તો નહેરૂનું સન્માન કરવું જોઈએ કે અપમાન ! એમ જણાવી વડાપ્રધાન લોકોને ભ્રમિત ન કરે, સાચા વિષયો પર ચર્ચા કરે અને સાચું બોલવાની આદત પાડે તેમ અને દેશની સંસ્કૃતિ અને સંસ્કારોનું સન્માન કરે તેમ ઉમેર્યું હતું.
મોદીની આસપાસ માત્ર ચાપલુસી કરનારા હોવાથી સત્યોથી અજાણ
અમદાવાદ, તા.૬
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આનંદ શર્માએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં પોતાના વિવાદીત નિવેદનો અને ટિપ્પણીઓથી વડાપ્રધાનપદની ગરિમાને હાનિ પહોંચાડી રહ્યા છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન સત્યથી ભાગી રહ્યા છે અને જૂઠ્ઠાણાંનો મારો ચલાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સત્ય બોલવાની આદત પાડે. વડાપ્રધાન તેમના ભાષણોમાં વારંવાર સરદાર પટેલનો ઉલ્લેખ કરે છે પરંતુ સરદાર પટેલ એ કોંગ્રેસના નેતા હતા અને સરદાર પટેલની વિચારધારા મોદી અને શાહની વિચારધારાથી તદ્દન ભિન્ન હતી એટલે કે, સરદાર પટેલ મોદી અને શાહ જેવી વિચારધારાના પ્રચંડ વિરોધી હતી. આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન બનાવાયા તે મુદ્દે ઇતિહાસનું અપમાન કરી રહ્યા છે. સંસદીય દળની ચૂંટણી ૧૯૫૨માં થઇ હતી. મોદીજી જયારે ખોટુ બોલ્યા ત્યારે તેમને ખબર ન હતી કે, ઇતિહાસ સાચુ બોલે છે. સરદાર પટેલ ૧૯૫૦માં મૃત્યુ પામ્યા હતા. મોદીજીની આજુબાજુ માત્ર ચાપલૂસી કરનારા લોકો જ છે, તેથી તેમને સત્યનો ખ્યાલ નથી આવતો. ડો.કપિલ સિબ્બલને લઇ મોદીએ કરેલા નિવેદનને વખોડતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, અયોધ્યા કેસમાં કોંગ્રેસ પાર્ટી નથી, તેથી મોદીના વિવાદીત આક્ષેપો અસ્થાને છે. હવે ભાજપ નક્કી કરશે કે, કયા વકીલ કયાં લડશે? અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટમાં પડતર કેસમાં સુપ્રીમકોર્ટનો જે કંઇ નિર્ણય આવશે તેને કોંગ્રેસ આવકારશે.