(એજન્સી) તા.૯
ડીએમકેના વડા એમ કરુણાનિધિને પોતાની છ દાયકા લાંબી રાજકીય કારકિર્દીમાં કોંગ્રેસ સાથે સારા નરસા અને કડવા-મીઠા સંબંધો હતા. ૧૯૬૯માં કરુણાનિધિએ જ્યારે પ્રથમ વખત તામિલનાડુના મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ તેમને સંઘર્ષવાદી ગણાવ્યા હતા અને તેઓ કેન્દ્ર સરકારને સહકાર આપશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરી હતી.
૧૧ વર્ષ બાદ કરુણાનિધિ એ સમર્થકો જેમને કલાઇનાર તરીકે ઓળખાતા હતા. તેમણે ઇમર્જન્સી દરમિયાન ઇંદિરા ગાંધી સામે વિરોધ કરીને ૧૯૮૦ની સામાન્ય ચૂંટણીમાં ઇંદિરા ગાંધીને સમર્થન આપ્યું હતું. ઇમર્જન્સીનો વિરોધ કરનાર કરુણાનિધિ એ વખતે જયપ્રકાશ નારાયણ દ્વારા સ્થાપિત જનતા પાર્ટીની નિકટ પણ આવ્યા હતા. જાન્યુ. ૧૯૭૬માં જ્યારે ઇંદિરા ગાંધીએ કરુણાનિધિ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોને ટાંકીને ડીએમકે સરકારને બરતરફ કરી હતી ત્યારે બંને વચ્ચેની શત્રુતા ચરમસીમાએ પહોંચી હતી. કરુણાનિધિ ઘણીવાર ૧૯૮૦ના પોતાના લોકપ્રિય શબ્દસમૂહનો ઉપયોગ કરતા હતા કે જેમાં તેમણે નહેરુ વીન માગાલેવરુગા, નિવાયાના આત્ચીથરુગા એટલે કે પંડિત નહેરુના દીકરીને આવકાર છે, સ્થિર શાસન આપજો. આ શબ્દો અવારનવાર ટાંકવામા આવતા હતા અને એ દ્વારા કોંગ્રેસ સાથે પોતાના પક્ષના ગાઢ અને મજબૂત સંબંધોનો કરુણાનિધિ નિર્દેશ આપતા હતા. ઘણા પ્રસંગોએ કરુણાનિધિ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ માટે ડીએમકેને ભારે આદર હોવાની વાતો કરતા હતા તેમજ મહેરુના પુત્રી ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને તેમના પરિવાર સાથે રાજકીય મતભેદો હોવા છતાં એખલાસભર્યા સબંધો હોવાની વાત કરતા હતા.
૭ વર્ષ સુધી રાજકીય હરીફો રહ્યા બાદ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ સોનિયા ગાંધીએ કરુણાનિધિને ૨૦૦૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપ શાસિત એનડીએને હરાવવાની અપીલ કરીને યુપીએ સરકારમાં ડીએમકેને સામેલ કર્યા હતા. ડીએમકે માર્ચ ૨૦૧૩ સુધી યુપીના મહત્વના સાથી પક્ષ તરીકે રહ્યો હતો અને ત્યારબાદ જીનિવા ખાતે યુએનએચઆરસીની બેઠકમાં શ્રીલંકાના માનવ અધિકારના મુદ્દે મનમોહનસિંહ સરકારના વલણના વિરોધમાં તેમણે ગઠબંધન સરકાર સાથે છેડો ફાડ્યો હતો. ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે બંને પક્ષો વચ્ચે કટૂ વચનોની આપલે થઇ હતી અને ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ડીએમકેના નેતા કે રાજા અને કનીમોઝીને જેલમાં મોકલવા બદલ કરુણાનિધિએ કોંગ્રેસને કૃતઘ્ન પક્ષ ગણાવ્યો હતો.