(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૮
સુરત શહેરના વોર્ડ નંબર ૧૧નાં ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાએ કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર હેરાનગતિ નહીં કરવાના નામે બિલ્ડર પાસે ૭૫ હજારની માંગેલ લાંચ પ્રકરણમાં આખરે ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે નેન્સી સુમરાને કોર્ટમાં રજૂ કરતા એસીબી દ્વારા પાંચ દિવસનાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે રિમાંડના મંજૂર કરી નેન્સી સુમરાને સબજેલ મોકલી દેવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સોદાગરવાડ અને નાણાવટ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્ર્‌ક્શન સાઇડ ઉપર હેરાનગતિ નહીં કરવા બદલ બિલ્ડર પાસે ૭૫ હજારની લાંચ પિતા મોહન સુમરા દ્વારા માંગવામાં આવી હતી. મોહને રૂપિયા ૨૦ હજાર પડાવ્યા બાદ બીજા ૫૫ હજારની માંગણી કરતા બિલ્ડરે એસીબીના પીઆઇ બી. કે. વનારને ફરિયાદ કરવામાં આવતા પીઆઇએ છટકુ ગોઠવીને ૫૫ હજારની લાંચ લેતા મોહન સુમરાનો પુત્ર પ્રિન્સને ઝડપી લીધો હતો, જ્યારે મોહન સુમાર નાંસી છૂટ્યો હતો. એસીબીએ મોહન સુમરાને શોધવા કેટલાક સ્થળોએ તપાસ પણ આદરી હતી. પરંતુ તે ન મળતા આખરે ટ્રેપના પાંચ દિવસ બાદ મોહન સુમરા એસીબી સમક્ષ હાજર થયો હતો. જ્યારે મોહન સુમરાના રિંમાન્ડ અને તપાસ પુરા થઇ હતી તો પણ નેન્સી સુમરા એસીબીને મળતી ન હતી. અન્ય જગ્યાએ તપાસ કરવા છતાં એસીબીને કોઇ સફળતાં નહિં મળતા આખરે ગઇકાલે નેન્સી સુમરા અચાનક એસીબી કચેરી ખાતે નિવેદન નોંધાવા પહોંચી ગઇ હતી. અહીં પૂછપરછ બાદ તેણીની ધરપકડ કરવામાં આવી હતી. એસીબીએ નેન્સી સુમરાને મોડી સાંજે કોર્ટમાં રજૂ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી નેન્સી સુમરાને સબજેલ મોકલી દીધી હોવાનું જાણવા મળે છે.નેન્સી સુમરાને ગમે ત્યારે ભાજપમાંથી અને કોર્પોરેટર પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવશે તેવું શહેર ભાજપના વર્તૂળો દ્વારા જાણવા મળી રહ્યું છે.