(એજન્સી)
બેહરાઈચ, તા.૩૦
દેશભરમાં ઈંધણના ભાવો તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશના બેહરાઈચ જિલ્લામાં નેપાળથી પેટ્રોલ અને ડીઝલની દાણચોરી કરવામાં આવી રહી છે. અહીંના લોકો પોતાના વાહનો લઈ પાડોશી દેશમાં જઈ પેટ્રોલ-ડીઝલ પુરાવી રહ્યા છે અથવા કેનમાં ઈંધણ ભરી લાવે છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની હાજરી હોવા છતાં લોકો આરામથી સરહદ પારથી ઈંધણ લાવી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓ પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેઓ પૈસા બચાવવા નેપાળથી ઈંધણ લાવી રહ્યા છે. ભારતમાં ભાવ વધારે છે જ્યારે નેપાળમાં કિંમતો ઓછી છે. અમે નેપાળથી ઈંધણ લાવી ૧ લીટરે બારથી તેર રૂપિયા બચાવીએ છે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સભા રાજે જણાવ્યું હતું કે, તેઓ આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરશે. મને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી છે અમે કસૂરવારો સામે સખ્ત કાર્યવાહી કરીશું અને ભવિષ્યમાં આ મામલે સાવચેતીના પગલાં ભરીશું.
સતત ૧૬માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. દિલ્હીમાં લીટર પેટ્રોલનો ભાવ રૂા.૭૮.૪૩ છે જ્યારે મુંબઈમાં આ કિંમત રૂા. ૮૬.ર૪ છે જ્યારે દિલ્હી મુંબઈમાં ડિઝલના લીટરના ભાવ અનુક્રમે રૂા.૬૯.૩૧ અને રૂા.૭૩.૭૯ છે.