(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.પ
ગુલાબની ખેતી માટે પ્રખ્યાત ધોળકા તાલુકાના નેસડા ગામના તળાવમાં બે ફાર્મા. કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેતી-પશુપાલન અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. આ દૂષિત પાણી બંધ કરાવવાની માગણી સાથે આજે ધોળકા મામલતદાર કચેરીમાં નેસડાના ગ્રામજનો તથા યુવક કોંગ્રેસના કાર્યકરોએ રૂબરૂ જઈને આવેદનપત્ર પાઠવી નેસડાના તળાવમાં દૂષિત પાણી બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆત વેળા અમદાવાદ જિ.પં.ના સદસ્ય સતીષભાઈ મકવાણા (સાથળવાળા), પાર્થિવ રાજસિંહ કઠવાડિયા (પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી), ભેટાવાડાના સરપંચ કાળુભાઈ, નેસડાના સરપંચ કનુભાઈ, ત્રાંસદના સરપંચ શાંતિલાલ, ધોળકા શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ માજીદખાન તાલુકદાર તથા મંત્રી ફૈઝાનખાન પઠાણ, રફીકભાઈ રાધનપુરી, પૂર્વ મ્યુ.સભ્ય ફિરોજખાન પઠાણ વગેરે હાજર રહ્યા હતા.
ધોળકા મામલતદારને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ધોળકાના નેસડા ગામે તળાવ આવેલ છે. જેમાં બારે માસ પાણી રહે છે. ગામના માણસો માટે તેમજ પશુ-પંખી માટે તેમજ પર્યાવરણને ખૂબ જ ઉપયોગી થાય છે. તળાવથી કુદરતી સૌંદર્ય નયન રમ્ય લાગે છે. સદર તળાવની આજુબાજુ સુંદર વૃક્ષો આવેલા છે. જેના ઉપર અસંખ્ય પક્ષીઓ રહે છે. જેથી ગામની સુંદરતા અને વાતાવરણમાં સુધારો થાય છે અને પર્યાવરણ સુધરે છે.
આ તળાવમાં વરસાદનું વહેણ આવતા ભેટાવાડાથી પાણી આવે છે. હાલમાં આ તળાવના પાણીમાં કેડીલા ફાર્મા. તેમજ કોન્કડ ફાર્મા. કંપનીઓ કેમિકલવાળું દૂષિત પાણી તળાવમાં ઠાલવતા હોય તળાવનું પાણી દૂષિત થાય છે. ખૂબ જ ગંધ મારે છે. જે પશુ-પંખી તેમજ માનવજીવન માટે ખૂબ જ હાનિકારક હોય તેને દૂર કરવા માગણી છે. તેઓનું વપરાશનું ગંદુ પાણી તળાવમાં ઠાલવે છે અને પ્રદૂષણ ફેલાવે છે. તળાવની અંદર ઉપરોક્ત કંપનીઓનું દૂષિત પાણી આવવાથી ગામમાં જમીનના તળ પણ દૂષિત થઈ ગયેલ છે. બોર ચાલુ કરતા લાલ રંગનું પાણી નીકળે છે, જે પીવાલાયક નથી, પરંતુ અમારે તેનાથી ખેતીવાડી કરવી પડતી હોય જે ખૂબ જ હાનિકારક છે અને માનવની તંદુરસ્તી માટે જીવલેણ સાબિત થાય તેમ છે. જેથી સત્વરે ઉપરોક્ત કંપનીઓનું ઠલવાતું પાણી બંધ કરવા આ અરજી કરેલ છે.
તળાવનું પાણી ગંદુ કરી પર્યાવરણને નુકસાન થાય એવી કામગીરી કરે છે અને જાણે બહાદુરીનું કામ કરતા હોય તેવું કંપનીના માણસો વર્તન કરે છે તેમજ પર્યાવરણને ગંભીર હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે જે રોકવા અમારી અરજ છે.