પેટાહ ટિકવા, તા. ૨૭
ભ્રષ્ટાચારની સંડોવણીમાં નામ આવતા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂનો વિરોધ કરવા માટે દેશના એટોર્ની જનરલના નિવાસ બહાર હજારો દેખાવકારો તેમના રાજીનામાની માગ સાથે એકઠા થયા હતા. નાણાકીય ગરબડ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને હોલિવૂડમાં ગેરકાયદે કરારો મામલે નેતાન્યાહૂ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો સ્થાનિક અઠવાડિક મેગેઝિનમાં કરવામાં આવ્યા છે.
દરમિયાન નેતાન્યાહૂ પોતાના પર લગાવાયેલા આરોપોને સતત નકારતા આવ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે આ મામલે કાંઇ ખોટું કર્યું નથી પરંતુ મીડિયા દ્વારા તેને બનાવટી રીતે ઘડી કાઢવામાં આવેલું ષડયંત્ર છે. આ આરોપોને કારણે નેતાન્યાહૂનો લાંબો શાસનકાળ ખરડાયો છે જ્યારે તેમના સમર્થનમાં મોટાપ્રમાણમાં અત્યારથી ઘટાડો શરૂ થઇ ગયો છે. હાઇપ્રોફાઇલ સંગઠનકારીઓની ધરપકડના અઠવાડિયા બાદ નેતાન્યાહૂ પર આ પ્રકારના ગંભીર આક્ષેપો લગાવાયા છે અને ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દેખાવો હજુ લાંબા ચાલી શકે કારણ કે, સરકાર ૫૦૦થી વધુ લોકો પર રહેણાંક વિસ્તારોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી રહી છે. ઇઝરાયેલી પોલીસે જણાવ્યું હતું કે, આશરે ૨૦૦૦ લોકો નેતન્યાહૂના વિરોધમાં ઉતર્યા હતા અને રવિવાર સુધી દેખાવકારોમાં વધારો થવાની શક્યતા છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, દેખાવકારો કાયદા દ્વારા સૂચવાયેલા નિયમોનો ભંગ કરી રહ્યા છે. આ લોકો ગેરકાયદે રીતે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી રહ્યા છે અને રહેણાંક વિસ્તારોમાં અવાજ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. નેતાન્યાહૂ વિરૂદ્ધ છેલ્લા ૪૦ અઠવાડિયાથી વિરોધનો સૂર ભભૂકી રહ્યો છે અને સારી સરકારની માગ સાથે ઘણા સંગઠનકારીઓ એક મંચ પર આવ્યા છે. દેખાવકારો ઇઝરાયેલના ઝંડા સાથે માર્ગો પર ઉતરી આવ્યા છે જેનું મીડિયા પણ કવરેજ કર્યું છે. ઇઝરાયેલી કાયદા અનુસાર વડાપ્રધાનને ફક્ત સંસદ જ બહાર કરી શકે છે જ્યારે કોર્ટ ફકત સૂચના આપી શકે છે જ્યારે તેની સૂચના બાદ સરકારના મંત્રીઓ કે, મેયરોને રાજીનામા આપવા પડે.