(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
કોમી રમખાણોમાં માત્ર સામાન્ય લોકો જ કેમ મરે છે, નેતા કેમ મરતા નથી ?, અલીગઢમાં યોજાયેલી એક જાહેર રેલીમાં એવું કહીને ભાજપના સહયોગી અને ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન ઓપી રાજભર વિવાદોમાં ઘેરાઇ ગયા છે. રેલીમાં તેમણે એવો પ્રશ્ન કર્યો હતો કે ‘નેતા કેમ મરતા નથી ?’ રેલીમાં તેમણે એવું પૂછ્યું હતું કે શું કોઇ મોટો રાજકીય નેતા હિન્દુ-મુસ્લિમ રમખાણોમાં માર્યો ગયો ? રાજકારણી કેમ મરતા નથી ? ધર્મને આધારે તમને (હિન્દુ-મુસ્લિમોને) લડાવવાનો પ્રયાસ કરનારા રાજકારણીઓને સળગાવી દો, ત્યારે તેઓ અન્યોને સમજશે અને ‘સળગાવવાનું’ બંધ કરશે. ઉત્તર પ્રદેશમાં અવારનવાર ભાજપ સરકારની ટીકા કરનારા નેતાએ જણાવ્યું કે ‘નેતાઓ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભેદભાવ અને વિભાજન પેદા કરે છે.’ તેમણે એવું પણ કહ્યું કે બંધારણ ભારતના કોઇ પણ નાગરિકને પોતાનો વોટ આપવા માટે યોગ્યા બનાવે છે. રાજભરે ભાજપના નેતૃત્વવાળા એનડીએમાંથી બહાર નીકળવાની ધમકી આપી છે.
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને હરાવવા માટે સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયા બાદ રાજભરે આ ટિપ્પણી કરી છે. ઉત્તર પ્રદેશના અસંતુષ્ટ પ્રધાને ભાજપ સંયુક્ત રીતે સામાન્ય ચૂંટણીઓ લડવા માગે છે કે કેમ ? એ નક્કી કરવા માટે ભાજપને સમય મર્યાદા આપી છે. રાજભરે જણાવ્યું કે જો તેમને પ્રતિક્રિયા નહીં મળે તો તેમનો પક્ષ – સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી) રાજ્યની બધી ૮૦ સંસદીય બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.