(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
તાજેતરમાં નવી એસવીપી હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી હવે રૂા.૧૪પ૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી અતિઆધુનિક ન્યુ સિવિલ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવા વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે. અમદાવાદમાં નવનિર્મિત ન્યુ સિવિલ હોસ્પિટલનું વડાપ્રધાન ઉદ્‌ઘાટન કરે તે પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નવનિર્મિત વિકાસકાર્યોનું નિરીક્ષણ કરતાં જણાવ્યું હતું. કે, ગુજરાત સરકારનો અભિગમ રહ્યો છે કે, ગુજરાતના લોકોને અદ્યતન સાધનોથી સુસજ્જ આરોગ્ય કલ્યાણલક્ષી સેવાઓ નજીવા દરે અને દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોના દર્દીઓ પણ આરોગ્ય સેવાનો લાભ લેવા આવે છે. આ માનવસેવાના કાર્યને વિકસિત કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ એકરના કેમ્પસમાં તમામ પ્રકારના નિદાન, તપાસ, સારવાર અદ્યતન સાધન સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવા રૂા.૧૪૫૦ કરોડના ખર્ચે ‘મેડી સીટી’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ, કેન્સર જેવા અનેક સ્પેશ્યાલિસ્ટ વિભાગોના બિલ્ડિંગ અદ્યતન સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ જ કેમ્પસમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજ પણ કાર્યરત છે. કેમ્પસમાં હજારો મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ખડેપગે સારવાર આપી રહ્યા છે. અહીં સારવાર માટે આવનારા દર્દીઓ તથા તેમના સગાઓને રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાશે.