(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
રાફેલ ડીલ પર એક વાર ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ કે માત્ર એક નવી લાઈન કાઢી છે ’ગાયબ થઈ ગયા.’ ૨ કરોડ યુવાનોનું રોજગાર ગાયબ થઈ ગયું, ખેડૂતોને યોગ્ય ભાવ, ડોકલામ ગાયબ થઈ ગયુ, જીએસટીથી ફાયદો ગાયબ થઈ ગયો, હવે રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ. રાહુલ ગાંધીએ એક વાર ફરીથી રાફેલ અંગે પીએમ મોદી પર મોટા આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે હવે મીડિયાની તપાસ કરવાની વાત થઈ રહી છે પરંતુ જેણે ૩૦ હજાર કરોડનો ગોટાળો કર્યો છે તેના પર કોઈ તપાસ નથી થી રહી. વસ્તુઓને તોડી મરોડીને નરેન્દ્ર મોદીનો બચાવ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકારનું લક્ષ્ય માત્ર ચોકીદારને બચાવવાનું જ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે કાગળ ગાયબ થયા છે એનો અર્થ એ કે એ કાગળોમાં સત્ય છે. તેમણે કહ્યુ કે એમાં સ્પષ્ટ લખ્યુ છે કે નરેન્દ્ર મોદી સોદાબાજી કરી રહ્યા હતા અને હવે આ વાત દરેક જણ કહી રહ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે રાફેલ ડીલમાં નરેન્દ્ર મોદીએ બાયપાસ સર્જરી કરી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ સરકારના શાસનમાં રોજગાર-ખેડૂતોના મુદ્દા સાથે હવે રાફેલ ડીલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સરકારનું કામ બધુ ગાયબ કરવાનું છે. તેમણે કહ્યુ કે જેમના નામ કાગળોમાં છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ. તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. રાહુલ ગાંધીએ રાફેલ પર મોટો હુમલો કરતા કહ્યુ કે તમારે જેમની સામે કાર્યવાહી કરવી છે કરો પરંતુ પ્રધાનમંત્રી મોદી પર પણ કાર્યવાહી થવી જોઈએ. પ્રધાનમંત્રીએ સીબીઆઈ ડાયરેક્ટરને હટાવ્યા ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી હતી. તેમણે અનિલ અંબાણીના ખિસ્સામાં ૩૦ હજાર કરોડ રૂપિયા નાખી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ, ‘રાફેલ ડીલમાં પ્રધાનમંત્રીએ જ મોડુ કર્યુ અને તેમણે પોતે આની તપાસ કરાવવી જોઈએ. ત્યારબાદ જલ્દી બધુ સામે આવી જશે કે બધા પૈસા ક્યાં ગયા.’ રાહુલ ગાંધીએ કહ્યુ કે જો પ્રધાનમંત્રી મોદીને લાગે છે કે તે નિર્દોષ છે તો પછી તપાસ કરાવવા દો. અમારી જેપીસી તપાસની માંગનો સ્વીકાર કેમ કરવામાં નથી આવી રહ્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે સંરક્ષણ મંત્રાલયની ફાઈલમાં લખ્યુ છે કે પ્રધાનમંત્રી જ ડીલ કરી રહ્યા છે તો તેમના પર કાર્યવાહી થવી જોઈએ.
પીએમ નરેન્દ્ર મોદી પાકિસ્તાનના પોસ્ટર બોય : રાહુલ ગાંધીનો વળતો હુમલો
વિરોધ પક્ષો પાકિસ્તાનના પોસ્ટર બોય બની ગયા હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, દરેક લોકો જાણે છે કે, પોસ્ટર બોય કોણ હતા. નવાઝ શરીફના પરિવારમાં લગ્નમાં સામેલ થવા કોણ ગયા હતા ? પઠાણકોટમાં આઇએસઆઇ ટીમને કોણે બોલાવી હતી ? તો હવે પાકિસ્તાનો પોસ્ટર બોય કોણ થયું ? રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ૨૦૧૫માં તે વખતના વડાપ્રધાન નવાઝ શરીફની પૌત્રીના લગ્ન સમયે અચાનક લાહોર પહોંચી ગયા હતા તથા ૨૦૧૬માં એરફોર્સ સ્ટેશન પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સંયુક્ત તપાસ ટીમને પઠાણકોટ બોલાવવાની વાતો યાદ અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ બાલાકોટમાં જૈશે મોહંમદના કેમ્પ નષ્ટ કરવા અંગેના પુરાવા માગતા વિરોધ પક્ષોને પાકિસ્તાની પોસ્ટર બોય તરીકે ગણાવ્યા હતા.
ચોરાયેલા રાફેલ દસ્તાવેજો મુદ્દે વિપક્ષે નરેન્દ્ર મોદીને આડેહાથ લીધા
બુધવારે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે જૂતા વડે થયેલી મારપીટ પછી ગુરૂવારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભાજપને પ્રશ્ન કર્યો હતો કે, શું તે ‘જૂઠ અને બૂટ’ અભિયાન ચાલુ જ રાખશે. જૂઠ શબ્દ દ્વારા યાદવ કરોડો રૂપિયાના રાફેલ સોદાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જેમાં વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલયમાંથી રાફેલ સમજૂતી સાથે સંબંધિત દસ્તાવેજો ચોરી થઈ ગયા છે. અખિલેશ યાદવે લખનૌમાં કહ્યું હતું કે, પહેલાં સમાંતર વાટાઘાટો થઈ. ત્યારબાદ રાફેલની ફાઈલો ચોરાઈ ગઈ. આ દરમિયાન ઉત્તરપ્રદેશમાં વિકાસના મુદ્દે ચર્ચા કરવા માટે આયોજિત કરવામાં આવેલી બેઠકમાં સાંસદ અને ધારાસભ્યે વિવાદનો ઉકેલ લાવવા માટે જૂતાનો ઉૈપયોગ કર્યો. હવે ભાજપના કાર્યકરો તેમના નેતાઓને પૂછી રહ્યા છે કે, ક્યું અભિયાન ચાલુ છે ? જૂઠ અને બૂટ કે પછી યુથ અને બુથ ? ગુરૂવારે યાદવની સહયોગી માયાવતીએ પણ રાફેલ સોદાના ચોરાયેલા દસ્તાવેજો મુદ્દે કેન્દ્ર સરકાર પર વ્યંગ કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે, મોદી સરકાર માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ સનસનીખેજ ખુલાસો કરે છે કે, રાફેલ સોદાના ગુપ્ત દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થઈ ગયા છે. ખૂબ જ વિચિત્ર એન બેજવાબદાર ચોકીદારી. શું રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો સુરક્ષિત હાથોમાં છે ? વિસ્તૃત રીતે વિચારી જુઓ.
Recent Comments