(એજન્સી) મુંબઈ, તા.ર૬
મરાઠા આંદોલનને ધ્યાનમાં રાખીને મુંબઈની નજીકમાં આવેલા નવી મુંબઈ વિસ્તારમાં આજે સવારથી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મરાઠા અનામત અંગે બુધવારે થયેલા પ્રદર્શન દરમિયાન કૌપર ખૈરાને જેવા વિસ્તારોમાં ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ તણાવગ્રસ્ત માહોલ છે. કોપર ખૈરાનેમાં પ્રદર્શનકારીઓ દ્વારા ગાડીઓ પર પથ્થરમારો, સ્થાનિક પોલીસની સાથે તેમનું ઘર્ષણ અને આગચંપી બાદ પોલીસે કાલે સાંજે ટીયરગેસ છોડ્યો હતો અને લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસની એક ચોકીમાં પણ આગ ચાંપી દીધી હતી. સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમુદાય માટે અનામતની માગને પગલે સમુદાયના સંગઠનોએ બંધ પાળ્યું હતું, જે દરમિયાન હિંસા થઈ. પોલીસના એક અધિકારીએ પહેલાં જણાવ્યું હતું કે, બંધ પાછું ખેંચાયા બાદ પોતાના ઘરે પરત ફરી રહેલા પ્રદર્શનકારીઓએ ગઈકાલે રાત્રે કોપર ખૈરાને વિસ્તારમાં સ્થાનિક લોકોની ગાડી પર પથ્થરમારો કરી દીધો હતો. ટોળાએ કરેલા પથ્થરમારામાં કેટલીક ઓફિસો અને દુકાનોને નુકસાન થયું હતું. તેમણે જણાવ્યું કે, સેક્ટર-૬માં ડી-માર્ટ સુપરમાર્કેટની નજીક આવેલી પોલીસ ચોકીને પણ આગ ચાપવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ ચોકીની બહાર ઊભેલી પાંચ-છ ગાડીઓ અને ડઝનેક દ્વિ-ચક્રી વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત તેમણે સેક્ટર-૩માં આવેલ એક હોટલને પણ આગ ચાંપી દીધી હતી.