(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
અમદાવાદના કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાના બનાવનો મુદ્દો વિધાનસભામાં આજે કોંગ્રેસ દ્વારા ઉઠાવાયો હતો. જેમાં સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોવાનું જણાવી હવે રાજ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે એમ્યુઝમેન્ટ પાર્ક માટે નવા નિયમો ઘડી કાઢવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ કમિટી બનાવવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતા એકપણ વધારાની જીંદગી ગુમાવવી ન પડી હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વિધાનસભાના નિયમોના નિયમ – ૧૧૬ હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત અંગે ગૃહમાં પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનામાં બે વ્યક્તિના સ્થળ પર મૃત્યું થયા હતા. જ્યારે ૨૯ જેટલા ઇજા થઈ હતી. ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે જવાબદારો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે હેતુસર રાજ્યમાં નિયત મંજૂરીથી ચાલતી તમામ રાઇડ્‌ઝનું પુનઃ પરિક્ષણ અને નિરીક્ષણ કરવા તથા મંજૂરી વગર ચાલતી તમામ રાઇડ્‌ઝ તાત્કાલિક અસરથી બંધ કરવા અથવા કરાવવા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના આપવામાં આવી છે. આ ઘટના પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરીને મૃતકોના વારસોને મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરેલ છે. તેમજ, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આપેલ સૂચનાને પગલે અન્ય રાજ્યોમાં એમ્યુઝમેન્ટના સ્થળો અને સાધનો માટે કેવા ધારા – ધોરણો છે તથા બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડના માપદંડો તેમજ વિદેશોમાં તેમજ વિશાળકાય રાઇડ્‌ઝ માટે કેવા ધારા-ધોરણો અનુસરવામાં આવે છે તે અંગેનો અભ્યાસ કરી જરૂરી નિયમો બનાવવા માટે સૂચન કરવા માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. આ સમિતિનો અહેવાલ મળ્યા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક અંગેના નવા નિયમો ઘડવામાં આવશે. એમ્યુઝમેન્ટ પાર્ક માટેનાં નવા નિયમો બનાવવા માટે નીમાયેલ કમિટીમાં આર એન્ડ બી વિભાગના અધિક મુખ્ય સચિવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને તથા વૈધાનિક અને માર્ગ અને મકાન વિભાગના સચિવને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કમિટી રાજ્ય અને દેશ બહારના એમ્યુઝમેન્ટ પાર્કનો અભ્યાસ કરશે. વિદેશમાં જઈને પણ આ કમિટી ત્યાં ચાલતાં એમ્યુઝમેન્ટ પાર્ક અને ત્યાં ચાલતી જાયન્ટ રાઈડ્‌સનો અભ્યાસ કરશે. અહીં સેફ્‌ટીની કેવી સુવિધા છે, કેવી મશીનરીનો ઉપયોગ થાય છે સહિતની વસ્તુઓ પર આ કમિટી અભ્યાસ કરશે. પૂરતા અને પુખ્ત અભ્યાસના અંતે ગુજરાતમાં રાઈડ્‌સ અંગેના નિયમો બનાવવામાં આવશે કે જેથી રાજયમાં આ પ્રકારની બીજી કોઇ દુર્ઘટના સર્જાય નહી અને નિર્દોષ વ્યકિતઓના જીવ ગુમાવાય નહીં.