(એજન્સી) લખનૌ, તા.ર૯
બે વર્ષ પહેલાં સપા સરકારમાંથી મંત્રી તરીકે હકાલપટ્ટી બાદ સમાજવાદી પાર્ટીમાં વારંવાર તરછોડાયેલા વરિષ્ઠ નેતા શિવપાલ યાદવે અંતે સમાજવાદી સિક્યુલર મોરચા નામના નવા પક્ષની રચના કરી હતી. નવા પક્ષની જાહેરાત કરતાં શિવપાલે કહ્યું કે તેઓ નાના પક્ષોને ભેગા કરવાનું કામ કરશે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવા બાબતે તેમણે મૌન સેવ્યું હતું. શિવપાલે કહ્યું કે, મેં સમાજવાદી સિક્યુલર મોરચો નામનો નવો પક્ષ બનાવ્યો છે. મારી પક્ષમાં અવગણના થઈ. એ બે વર્ષ રાહ જોઈ. પક્ષમાં મને કોઈ જાણકારી કે કાર્યક્રમોમાં બોલવાતો ન હતો. કોઈ જવાબદારી પણ સોંપાઈ ન હતી. સપામાં ઘણાં તરછોડાયેલા કાર્યકરો છે, તેમને જવાબદારી આપી મોરચાને મજબૂત કરાશે. સપામાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા અમરસિંગે શિવપાલની મુલાકાત એક દિવસ પછી ભાજપના નેતાઓ સાથે ગોઠવી હતી. પરંતુ શિવપાલ ગયા ન હતા. શિવપાલે કહ્યું કે, અમરસિંહ સાથે મારો કોઈ સંપર્ક નથી. મુલાયમસિંગ અમારા વરિષ્ઠ નેતા છે તેમને અમે આમંત્રણ આપી મોરચામાં જોડાયા કરીશું. મુલાયમસિંગે અગાઉ પોતાનું કોઈ માન આપતું ન હોવાનો બળાપો કાઢ્યો હતો. શિવપાલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદને મત આપ્યો હતો. શિવપાલે રાજ્યસભાની ચૂંટણીમાં સપાનો મેન્ડેટ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. યુપીમાં ર૦૧૪માં ભાજપે ૭૩ બેઠકો મેળવી હતી. પેટાચૂંટણી બાદ પ બેઠકો ગુમાવી હતી. વિપક્ષોની એકતાથી ભાજપનો પરાજય થયો. સપા, બસપા, આરએલડીએ સાથે મળી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પરંતુ શિવપાલ યાદવના પક્ષને લાગે છે કે ભાજપ વિરોધી યાદવોના મતો તેમને મળી શકે છે. જેથી સપાના મોરચામાં ગાબડું પડી શકે છે.