અમદાવાદ,તા. ૨૪
પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડના ગામ તળ વિસ્તાર ભૂદરપુરા, શાંતિવન વગેરે વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેશરની વારંવાર ઊઠતી ફરિયાદને મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગંભીરતાથી લીધી છે. તંત્રે પાણીના પ્રેશરમાં સુધારા-વધારા કરવા માટે જરૂરી પાણીની લાઇન નાંખવા આશરે રૂ.૩૦ લાખનો અંદાજ તૈયાર કર્યો છે અને તેને મંજૂરી પણ આપી છે. જો કે, નવી પાઇપલાઇન નાંખવાનું આ કામ મોટુ અને ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેમ ના હોઇ પાઈપલાઈનનું કામ ચોમાસા પછી હાથ ધરવામાં આવે તેવું જાણવા મળ્યું છે. શહેરના પાલડી વોર્ડમાં ગામ તળ વિસ્તાર, ભૂદરપુરા, લક્ષ્મીવર્ધક દેરાસર, શાંતિવન, રાજનગર સોસાયટી વિસ્તાર અભિલાષા ફલેટથી યોગીકૃપા સોસાયટી, રામવિહાર ચાર રસ્તાથી ધન્વંતરી ગાર્ડન અને બેન્ક ઓફ બરોડાથી અભિલાષા ફલેટ સુધીના ટીપી રસ્તા પર પાણીના હયાત પ્રેશરમાં સુધારા વધારા કરવા અને પાણીની સમસ્યાના નિવારણ હેતુ આ વિસ્તારમાં પાણીની નવી પાઇપલાઇન નાંખવા રૂ.૩૦ લાખના અંદાજને ઇજનેર વિભાગે મંજૂરી આપી છે. વાસણા વોર્ડમાં વાસણા બસ સ્ટેન્ડથી જીવરાજ મહેતા તરફ જતાં પ૪ ઇંચ વ્યાસની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતાં સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર પટેલ કોર્પોરેશનના રૂ.૪.૭ર લાખનાં ક્વોટેશન તેમજ નવા વાડજ વોર્ડમાં બલોલનગર વિસ્તારમાં આવેલી કે.આરે.રાવલ સ્કૂલની પાસેના રસ્તા પરની ૬૦૦ એમએમ વ્યાસની હયાત ડ્રેનેજ લાઇન પરના આશરે રર ફુટ ઊંડા મેનહોલના બ્રેકડાઉનના રીપેરિંગ માટે રૂ.૯.ર૭ લાખનું ક્વોટેશન અને બહેરામપુરા વોર્ડમાં સીએનસીડી પાસેના બીઆરટીએસ રૂટ કોરિડોરમાં ૧૪૦૦ એમએમ વ્યાસની હયાત ડ્રેનેજ લાઇનના બ્રેકડાઉનના રીપેરિંગ માટે રૂ.૧૧.પર લાખના ક્વોટેશનને સંબંધિત ઝોનના ઇજનેર વિભાગ દ્વારા મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવવાના અને પાંચ વર્ષ ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સના કામના ટેન્ડર મંગાવતા અંદાજ કરતા ૧૩.૧૩ ટકા ઓછા ભાવના લોએસ્ટ ટેન્ડરર અંકિતા કન્સ્ટ્રકશનના રૂ.ર૯.ર૧ કરોડના ટેન્ડરને તંત્રના ડ્રેનેજ-પ્રોજેક્ટ વિભાગ દ્વારા લીલીઝંડી અપાઇ છે.