(એજન્સી) તા.૩
દેશમાં એરલાઇન્સ ક્ષેત્રના પાયાના માળખાને મજબૂત બનાવવા માટે પોતાની યોજના હેઠળ સરકારે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ નિર્ણયમાં કેન્દ્રીય કેબિનેટે ચેન્નઇ, લખનૌ અને ગુવાહાટી એરપોર્ટ પર નવા ટર્મિનલના બાંધકામ માટે મંજૂરી આપી દીધી હતી. અહેવાલ અનુસાર આ ટર્મિનલોના બાંધકામ માટે લગભગ પ હજાર કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. દેશનું એરલાઇન્સ ક્ષેત્ર ર૦ ટકાની તેજી સાથે વધી રહ્યું છે. આ વર્ષે માર્ચમાં ૧.૧૬ કરોડ યાત્રીઓ સાથે તેનો વૃદ્ધિદર ર૮ ટકા અંકાયો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ કહે છે કે એરલાઇન્સ ક્ષેત્રનો વિકાસદર જોતા પાયાની સુવિધાઓ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. યાત્રીઓને હવાઇ યાત્રાનો શ્રેષ્ઠ અનુભવ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ચેન્નઇ એરપોર્ટ પર નવા ટર્મિનલના નિર્માણ પર ર૪૬૭ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. નવી ઈમારતમાં દર વર્ષે સાડા ત્રણ કરોડ યાત્રીઓને તેમના લક્ષ્યાંક સુધી પહોંચાડવાની ક્ષમતા હશે. આવી જ રીતે લખનૌ એરપોર્ટના નવા ટર્મિનલની વાર્ષિક ક્ષમતા ૧.૩૬ કરોડ યાત્રીઓની હશે. જ્યાં ટર્મિનલના નિર્માણ માટે ૧ર૩ર કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. દેશના ઉત્તર પૂર્વ ભાગને દેશના બાકીના રાજ્યો સાથે જોડનાર ગુવાહાટી એરપોર્ટ ઉપર પણ એક નવું ટર્મિનલ બાંધવામાં આવશે. તેની પાછળ લગભગ ૧૩૮૩ કરોડ રુપિયાનો અંદાજિત ખર્ચ કરવામાં આવશે. તેની વાર્ષિક ક્ષમતા લગભગ ૯૦ લાખ યાત્રીઓની હશે એવું કહેવામાં આવ્યું હતું. જોકે બુધવારે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આ ત્રણે એરપોર્ટ પર નવા ટર્મિનલના બાંધકામ માટે તથા તેને અપગ્રેડ કરવાની સાથે સાથે તેના વિસ્તરણ માટે મંજૂરી આપી દીધી હતી અને તેના માટે પ૦૦૦ કરોડ રુપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી હતી.