(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સુરત જિલ્લા પંચાયતના નવા ભવન માટે ન્યુ વેસુ રોડ ખાતે જીઇબીની ઓફિસની સામેની જગ્યાએ મંજૂરી આપવાની આખરે વિધિવત દરખાસ્ત થઇ છે. આ માટે જિલ્લા પંચાયત દ્વારા અંતિમ મંજૂરી અપાતા જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા સરકારને પણ દરખાસ્ત મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ માટે છેલ્લા લાંબા સમયથી વિધિવત જગ્યાઓ જોવાઇ રહી હતી પરંતુ ફાઇનલ થતું ન હતું. અગાઉ અઠવા લાઇન્સ ખાતેના કર્મચારી આવાસની જગ્યા ઉપર પણ વિચારણા થઇ હતી પરંતુ ત્યાં ધાર્મિક સ્થળ આડે આવતા આ જગ્યા ઉપર પૂર્ણ વિરામ મુકાઇ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કલેક્ટરની દરખાસ્ત બાદ આજે વનમંત્રી ગણપત વસાવાની સાથે મુખ્યમંત્રીને જગ્યાને મંજૂરી માટે પણ અપીલ કરાઇ હતી. સાથે જ જિલ્લા તરફથી ઉત્તર ગુજરાતના પૂરપીડિતો માટે ૧.ર૭ કરોડનો ચેક પણ એનાયત કરાયો હતો. જિલ્લા પંચાયત સંવર્ગના તમામ કર્મચારીઓ દ્વારા અપાયેલા ફાળાની રકમ ર૧ લાખ ઉપરાંત શિક્ષિકો તરફથી ૪પ લાખ અને ખુદ જિલ્લા પંચાયત દ્વારા અપાયેલા ફાળાના ૬૧ લાખ મળીને કુલ રૂા.૧.ર૭ કરોડની સહાયની રકમનો ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીને એનાયત થયો હતો. આ પ્રસંગે શાસક પક્ષના નેતા અફઝલખાન પઠાણ તેમજ આરોગ્ય સમિતિના અધ્યક્ષ જગુભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભવનની મંજૂરી માટે મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની પણ ટીમે મુલાકાત લઇ તેને સ્તવરે મંજૂરી આપવા રજૂઆત કરી હતી.