(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
ન્યુઝીલેન્ડમાં ક્રાઈસ્ટ ચર્ચ વિસ્તારમાં બે મસ્જિદોમાં થયેલ આતંકી હુમલામાં ૪૯ લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે ર૦ ઘાયલ થયા હતા. પ્રથમ હુમલો અલ-નુર મસ્જિદ અને બીજો હુમલો લિનવુડ મસ્જિદ પર થયો.
હુમલાખરોમાંનો એક ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનો અહેવાલ છે. આ હુમલાખોરોએ મસ્જિદમાં ઘૂસી ગોળીબારો કર્યા હતા. ત્રણ લોકોની આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે. હુમલાખોરોની કારમાંથી વિસ્ફોટક પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ન્યુઝીલેન્ડના વડાપ્રધાને આ હુમલા બાદ નિવેદન આપ્યું કે આ દેશ માટે કાળો દિવસ છે. આ હુમલો સ્થાનિકોને નિશાન બનાવવા કરાયો હતો. આ લોકો ભલે ન્યુઝીલેન્ડમાં જન્મ્યા ન હોય પરંતુ તેમણે પોતાની ઈચ્છાથી ન્યુઝીલેન્ડમાં રહેવાનું પસંદ કર્યું. આ આપણા જ લોકો છે. આ હુમલાની નિંદા કરીએ છીએ. આપણે ઉગ્રવાદી વિચારધારા અને હિંસક લોકો પ્રતિ વધુ સતર્ક રહેવું પડશે.